Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ટૂંક સમયમાં દેશના ૧૨૦ સ્ટેશનો પર લાગુ થશે યુઝર્સ ચાર્જઃ ભાડુ વધી જશે

રેલ્વે સ્ટેશનો નવાનક્કોર અને ભવ્ય બનશેઃ સુવિધાઓ વધશેઃ રીડેવલ્પમેન્ટ થશે

નવી દિલ્હી, તા. ૭ :. આવતા સમયમાં દેશના મોટા રેલ્વે સ્ટેશનોને તમે નવા અને ભવ્ય સ્વરૂપમાં નિહાળી શકશો. સ્ટેશનોની ખૂબસુરતી વધારવા અને સુવિધાઓ ઉભી કરવા માટે સરકારે ૧૦૦થી વધુ સ્ટેશનોની પસંદગી કરી છે. સ્ટેશન રીડેવલ્પમેન્ટનુ કામ પ્રાઈવેટ કંપનીઓ દ્વારા કરવામાં આવશે. ખાનગી નિવેશકોને આકર્ષવા માટે સરકાર ટૂંક સમયમાં યુઝર્સ ચાર્જ અંગે મોટો નિર્ણય લઈ શકે છે.

કેબીનેટ આવતા એક બે સપ્તાહમાં યુઝર્સ ચાર્જને લઈને નિર્ણય લઈ શકે છે. યુઝર્સ ચાર્જ કેટલાક સ્ટેશનો પર લાગુ કરવાનો છે તેનો ફેંસલો રેલ્વે મંત્રાલય લેશે. માનવામાં આવે છે કે આ ચાર્જ ૧૦ થી ૫૦ રૂ. વચ્ચે છે. અલગ અલગ વર્ગ માટે આ ચાર્જ અલગ અલગ રહેશે. ફર્સ્ટ કલાસના મુસાફરો માટે તે મહત્તમ રહેશે.

માનવામા આવે છે કે પ્રથમ ચરણમાં ૧૨૦ સ્ટેશનો પર યુઝર્સ ચાર્જ લાગુ કરવામાં આવશે. જેમાં દિલ્હી, મુંબઈ, નાગપુર, તિરૂપતિ, ચંદીગઢ, ગ્વાલીયર જેવા સ્ટેશનો સામેલ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આની અસર પ્લેટફોર્મ ટીકીટ પર પણ પડશે. મુસાફરો માટે તે ભાડામાં સામેલ કરી દેવાશે. રીઝર્વેશન વગરની કેટેગરીમાં આ ચાર્જ સામેલ કરવો કે નહિ ? તે અંગે સહમતી નથી થઈ.

(9:44 am IST)