Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

સંક્રમણનો ૨૪ કલાકમાં ખાત્મો : કોરોનાની દવા શોધાયાનો દાવો

વૈજ્ઞાનિકોએ શોધી લીધી કોરોનાની દમદાર દવા : દવા ગેમચેન્જર સાબિત થશે તેવો દાવોઃ આ દવા કોરોનાનો ખાત્મો કરવા સક્ષમ છે એટલુ જ નહિ દવાના ઉપયોગથી સંક્રમણ ફેલાતુ અટકાવી શકાશે અને ભવિષ્યમાં થનારી બિમારીથી પણ બચી શકાશે

ન્યૂયોર્ક,તા. ૭: દુનિયાભરમાં જયાં કોરોનાની રસી બનાવવાની કવાયત જોરશોરમાં ચાલુ છે ત્યાં વૈજ્ઞાનિકોએ એક એવી દવા શોધી છે કે જે ફકત ૨૪ કલાકમાં કોરોનાની સારવાર કરી શકે છે. કોવિડ-૧૯ મહામારી ફેલાયે એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ હજુ સુધી તેની કોઈ સટિક દવા બની નથી. આ બધા વચ્ચે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ એન્ટી વાયરલ ડ્રગ કોરોનાને સંપૂર્ણ રીતે ખતમ કરી શકે છે. આ ડ્રગનું નામ છે. MK-4482/EIDD-૨૮૦૧ જેને સરળ ભાષામાં મોલ્નુપીરાવિર  પણ કહે છે.

જર્નલ ઓફ નેચર માઈક્રોબાયોલોજીમાં છપાયેલા એક સ્ટડી મુજબ મોલ્નુપીરાવિર  નામની આ દવા મોંઢા દ્વારા શરીરમાં પ્રવેશ કરાવવામાં આવે છે. તેનાથી કોરોનાના દર્દીઓનું સંક્રમણ ફેલાતુ અટકાવી શકાય છે. આ ઉપરાંત તેમનામાં આવનારી ગંભીર બીમારીઓને પણ રોકી શકાય છે. આ સ્ટડીના લેખક રિચર્ડ પ્લેમ્પરનું કહેવું છે કે આવું પહેલીવાર બન્યું છે કે જયારે કોરોનાની સારવારમાટે મોઢાથી ઉપયોગમાં લેવાતી દવાનું પ્રદર્શન થઈ રહ્યું છે. MK-4482/EIDD-2801 કોરોનાની સારવારમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

આ દવાની શોધ જયોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીની એક રિસર્ચ ટીમે કરી છે. શરૂઆતના શોધમાં આ ડ્રગ ઈન્ફ્લુએન્ઝા જેવા જીવલેણ ફ્લુને ખતમ કરવામાં અસરકારક જોવા મળી, ત્યારબાદ ફેરેટ મોડલ દ્વારા તેના પર SARS-CoV-2 ના સંક્રમણને રોકવા માટે રિસર્ચ કરવામાં આવ્યું. આ અભ્યાસ માટે વૈજ્ઞાનિકોએ પહેલા કેટલાક જાવવરોને કોરોના વાયરસથી સંક્રમિત કર્યા. જેવા આ જાનવરોએ નાકથી વાયરસ છોડવાના શરૂ કર્યા કે તેમને MK-4482/EIDD-2801 એટલે કે મોલ્નુપીરાવિર ખવડાવવામાં આવી. ત્યારબાદ આ સંક્રમિત જાનવરોને સ્વસ્થ જાનવરોની સાથે એક જ પાંજરામાં રાખવામાં આવ્યા.

રિસર્ચના સહલેખક જોસફ વોલ્ફના જણાવ્યાં મુજબ સંક્રમિત જાનવરો સાથે રાખવામાં આવેલા સ્વસ્થ જાનવરોમાં કોઈ પણ પ્રકારનું સંક્રમણ ફેલાયું નહી. જો આ જ રીતે કોરોના સંક્રમિત દર્દીઓ પર મોલ્નુપીરાવિર ડ્રગનો ઉપયોગ કરવામાં આવે તો ૨૪ કલાકની અંદર દર્દીનું સંક્રમણ ખતમ થઈ જશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

(9:43 am IST)