Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના ભારત બંધને 11 વિપક્ષ દળોનું સમર્થન : બુધવારે રાષ્ટ્રપતિને મળશે

કૃષિ કાયદા સંસદમાં અલોકતાંત્રિક રીતે બનાવાયો : વોટિંગ અને ચર્ચા ન થઈ: ભારતની ખાદ્ય સુરક્ષા માટે આ કાયદા ખતરો છે

નવી દિલ્હીઃ કૃષિ કાયદાને લઈને પ્રદર્શન કરી રહેલા કિસાનોના ભારત બંધના સમર્થનમાં વિપક્ષી દળ પણ ઉતરી આવ્યા છે. દેશભરમાંથી અલગ-અલગ રાજકીય દળોએ કિસાનોના આ બંધની જાહેરાતને સમર્થન આપવાનું એલાન કર્યું છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી સહિત દેશના તમામ વિપક્ષી દળોએ કિસાનો તરફથી 8 ડિસેમ્બરે બોલાવવામાં આવેલા ભારત બંધનું સમર્થન કર્યું છે.

 

કિસાનોના સમર્થનમાં 11 દળોએ નિવેદન જારી કર્યું છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, PAGD, NCP, CPI, CPM, CPI (ML), RSP, RJD, DMK અને AIFBએ નિવેદન જારી કરી કિસાનોની માંગ પૂરી કરવા અને કૃષિ કાયદો 2020મા સંશોધનની માગ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, અમે કિસાનોની સાથે છીએ. કિસાન સંગઠનોના હાલના સંઘર્ષ અને તેના ભારત બંધના એલાનનું અમે સમર્થન કરીએ છીએ.

વિપક્ષી દળો તરફથી કહેવામાં આવ્યું કે, આ કૃષિ કાયદા સંસદમાં અલોકતાંત્રિક રીતે બનાવવામાં આવ્યા છે. વોટિંગ અને ચર્ચા ન થઈ. ભારતની ખાદ્ય સુરક્ષા માટે આ કાયદા ખતરો છે અને તે અમારા કિસાન અને કૃષિ વ્યવસ્થાને બરબાદ કરી દેશે. આ પાર્ટીઓના નેતાઓએ 9 ડિસેમ્બર સાંજે પાંચ કલાકે રાષ્ટ્રપતિને મળવાનો સમય માગ્યો છે.

(12:00 am IST)