Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન :કોંગ્રેસ પાર્ટી સહિત ડઝનબંધ પાર્ટીઓનું સમર્થન: બંધમાં 400થી વધારે ખેડૂત સંગઠનો જોડાશે

ત્રણ નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં સમગ્ર દેશમાં આંદોલનના ભણકારા: અનેક રાજ્યોના ખેડૂત સંગઠનો જોડાયા

નવી દિલ્હી : ત્રણ નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં હાલ સમગ્ર દેશમાં આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. જે અંતર્ગત દિલ્હીમાં તો છેલ્લા 10 દિવસથી ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે હવે આ આંદોલનને દેશવ્યાપી બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. દેશભરના કિસાન સંગઠનોએ 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન પણ કર્યુ છે. જેમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન સહિત કેટલાય રાજ્યોના ખેડૂત સંગઠનો શામેલ થવાના છે. આ આંદોલનમાં અનેક રાજકીય પાર્ટીઓએ પણ બંધને સમર્થન જાહેર કર્યુ છે. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે પણ બંધને સમર્થન આપ્યુ છે

કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ કહ્યુ હતું કે, કોંગ્રેસ પાર્ટીએ 8 ડ઼િસેમ્બરના ભારત બંધને સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે. અમે અમારી પાર્ટીના કાર્યાલયો પર પણ પ્રદર્શન કરીશું. ખેડૂતોને સમર્થન કરવા માટે રાહુલ ગાઁધીનું આ મજબૂત પગલુ છે. અમે આ પ્રદર્શનને સફળ બનાવીશું.

  ઓલ ઈન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્ડિનેશન કમિટીના બેનર તળે બોલાવામાં આવેલા ભારત બંધમાં દેશભરમાંથી 400થી વધારે કિસાન સંગઠન શામેલ થશે. કોંગ્રેસ ઉપરાંત અન્ય રાજકીય પાર્ટીઓએ પણ સમર્થન પુરૂ પાડ્યુ છે. જેમાં તૃણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રીય લોક દળ, રાજદ, રાલોસપા અને સમાજ વાદી પાર્ટી સહિત નાની નાની પાર્ટીઓએ પણ સમર્થન કર્યુ છે. ડાબેરી પાર્ટીઓમાં સીપીઆઈ, સીપીઆઈએમ, સીપીઆઈ (એમએલ), RSP અને ઓલ ઈંડિયા ફોરવર્ડ બ્લોક જેવી પાર્ટીઓએ પણ બંધને સમર્થન જાહેર કર્યુ છે

(12:00 am IST)