Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

હૈદરાબાદ ગેંગરેપ : એન્કાઉન્ટર સામે સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ

સુપ્રીમમાં થયેલી અરજી પર સોમવારના દિવસે સુનાવણી થશે : સુપ્રીમમાં અરજી કરીને પોલીસની કાર્યવાહી વિરુદ્ધ સવાલ ઉઠાવવામાં આવ્યા એફઆઈઆર દાખલ કરવાની માંગણી : માનવ અધિકારની ટીમ પણ પહોંચી

હૈદરાબાદ, તા. ૭ : હૈદરાબાદમાં વેટરનરી તબીબ પર બળાત્કાર અને હત્યાના ચારેય અપરાધીઓને શુક્રવારના દિવસે એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાના એક દિવસ બાદ પોલીસની થઇ રહેલી પ્રશંસા વચ્ચે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટમાં પોલીસની સામે તપાસની માંગ કરીને અરજીઓ દાખલ કરવામાં આવી છે. ગઇકાલે વહેલી પરોઢે પોલીસે ચારેય અપરાધીઓને લઇને ક્રાઈમસીનના પુનરાવર્તન માટે પોલીસ પહોંચી હતી ત્યારે અપરાધીઓએ ભાગવાનો પ્રયાસ કરતા ચારેયને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. એડવોકેટ જીએસ મણિ અને પ્રદિપકુમાર યાદવે પોલીસની કાર્યવાહી પર પ્રશ્ન ઉઠાવતા સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી દીધી છે. તેઓએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે, કાર્યવાહી દરમિયાન પોલીસે કોર્ટના વર્ષ ૨૦૧૪ના દિશા નિર્દેશોને પાળ્યા ન હતા. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, એન્કાઉન્ટરમાં સામેલ પોલીસ કર્મચારીઓની સામે એફઆઈઆર દાખલ થવી જોઇએ અને તપાસ કરીને કાર્યવાહી કરવી જોઇએ. આ સમગ્ર મામલામાં સોમવારના દિવસે સુનાવણી કરવામાં આવશે.

                   બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાં અન્ય એક જનહિતની અરજી પણ દાખલ કરવામાં આવી છે. વકીલ મનોહરલાલ શર્માએ પોતાની અરજીમાં તેમને પણ પાર્ટી તરીકે બનાવ્યા છે જે લોકોએ એક્સ્ટ્રા જ્યુડિશિયલ કિલિંગનું સમર્થન કર્યું છે. આમા સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ જયા બચ્ચન અને દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલિવાલના નામનો સમાવેશ થાય છે. તેમણે મિડિયા ઉપર પણ ગેંગ ઓર્ડરની માંગ કરી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટ પોતાની નજરમાં સીટની રચના કરે તેવી માંગ પણ કરવામાં આવી છે. શુક્રવારે એન્કાઉન્ટરમાં ચારેય અપરાધીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ પગલા સામે મોટાભાગે પોલીસની પ્રશંસા થઇ હતી જ્યારે કેટલીક જગ્યાઓએ ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા હતા.

                  બીજી બાજુ રાષ્ટ્રીય માનવ અધિકારની ટીમ પણ પહોંચી હતી. બીજી બાજુ રાષ્ટ્રીય માનવ અધિકારની ટીમ પણ સક્રિય થઇ ગઇ છે. આજે પંચની ટીમ હૈદરાબાદ પહોંચી હતી. એનએચઆરસીની ટીમ મહેબુબનગરના સરકારી હોસ્પિટલમાં પહોંચી હતી જ્યાં ચારેય અપરાધીઓના મૃતદેહોને રાખવામાં આવ્યા છે. ચારેય આરોપીઓના સંદર્ભમાં તપાસના આદેશ કરવામાં આવી ચુક્યા છે. દેશમાં માનવ અધિકાર સાથે જોડાયેલી સર્વોચ્ચ સંસ્થાએ કહ્યું છે કે, અથડામણ ચિંતાની બાબત છે. આની સાવધાનીપૂર્વક તપાસ થવી જોઇએ. પંચનો અભિપ્રાય છે કે, આ મામલાની તપાસ યોગ્ય દિશામાં આગળ વધવી જોઇએ. ૯મી ડિસેમ્બર સુધી નરાધમોના મૃતદેહોને સુરક્ષિત રાખવામાં આવનાર છે.

(7:50 pm IST)