Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

મારૂતિએ રિકોલ કરી ૬૦,૦૦૦ થી વધુ સિયાઝ, અર્ટિગા અને KL 6 કાર

મારૂતિ આ કારના મોટર જનરેટર યુનિટ(એમજીયુ)માં સંભવિત ખામી દૂર કરવા માટેની તપાસ કરશે

નવી દિલ્હી, તા.૭: ઓટોમોબાઈલ કંપની મારૂતિ સુઝુકીએ શુક્રવારે ૬૦,૦૦૦થી વધુ કારને રિકોલ(પાછી મંગાવી લીધી છે) કરી હોવાની જાહેરાત કરી છે. મારૂતિએ સિયાઝ,અર્ટિગા અને એકસએલ૬ના પેટ્રોલ સ્માર્ટ હાઈબ્રિડ વેરિયંટસના ૬૩,૪૯૩ યુનિટને રિકોલ કર્યા છે. સિયાઝ, અર્ટિગા અને એકસએલ૬ પેટ્રોલ હાઈબ્રિડ વેરિયંટસના જે યુનિટને રિકોલ કર્યા છે, તેનું મેન્યુફેકચરિંગ પહેલી જાન્યુઆરી, ૨૦૧૯થી ૨૧ નવેમ્બર, ૨૦૧૯ના વચ્ચે છે. મારૂતિ આ કારના મોટર જનરેટર યુનિટ(એમજીયુ)માં સંભવિત ખામી દૂર કરવા માટેની તપાસ કરશે.

કંપનીએ કહ્યું છે કે મોટર જનરેટર યુનિટમાં સંભવિત ખામી એક ઓવરસીઝ ગ્લોબલ પાર્ટ સપ્લાયર દ્વારા કરાઈ અને મેન્યુફેકચરિંગ દરમિયાન આવી હોઈ શકે છે. મારૂતિએ કહ્યું છે કે આ વોલેન્ટરી રિકોલ છે, અને ૬ સપ્ટેમ્બર, ૨૦૧૯થી  શરૂ કરાયું છે. મારૂતિએ કહ્યું છે કે આ રિકોલથી પ્રભાવિત ઓનર્સે કંપનીના ડીલરનો સંપર્ક કરશે. કંપનીએ વધુમાં કહ્યું થે કે જો ખરાબ પાર્ટ્સને રિપ્લેસ કરવા માટે ગાડીને રાખવાની જરૂર પડી તો મારૂતિ સુઝકી ડીલરશીપ્સ ઓનર્સને વૈકલ્પિક વ્હીકલ ઓફર કરવાનો પ્રયત્ન કરશે અને ખરાબ થયેલ પાર્ટસને રિપ્લેસમેન્ટ ફ્રીમાં કરી આપવામાં આવશે.

મારૂતિએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પોતાના ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને મારૂતિ સુઝુકીએ વ્હીકલની તપાસ માટે ગાડીઓને રિકોલ કરી છે. તપાસમાં જે ગાડી બરોબર હશે, તેને તુરંત જ રીલીઝ કરી દેવાશે. જે ગાડીમાં પાર્ટ બદલવા જેવા હશે તેમને પાર્ટસ ફ્રી ઓફ કોસ્ટ બદલી આપવામાં આવશે. આ મારૂતિ કંપનીનો સૌથી મોટો રિકોલ હશે. કંપનીઓ આ વર્ષ ઓગસ્ટમાં ફયૂલ હોજમાં ખામી દેખાતા ૪૦,૬૧૮ વેગન આરનો રિકોલ કરી હતી. મારૂતિ એકસએલ૬ કારનું મહિનામાં સરેરાશ ૪૨૦૦ યુનિટનું વેચાણ થાય છે. અને અર્ટિગાનું મહિનાનું વેચાણ ૭૦૦૦ કારનું છે. જો કે મારૂતિ સિયાઝનું વેચાણ ઘટી રહ્યું છે. આ વર્ષે નવેમ્બરમાં સિયાઝનું વેચાણ ૧૧૪૮ કારનું જ રહ્યું છે. વાર્ષિક આધાર પર સિયાઝના વેચાણમાં ૬૨ ટકાનો ઘટાડો થયો છે.

(4:05 pm IST)