Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ઉન્નાવ રેપ પીડિતા ભાનમાં રહી ત્યાં સુધી બોલતી રહી, 'મારે જીવવું છે, દોષિતોને છોડશો નહીં'

ગુરુવારે મોડી રાત્રે લખનઉથી દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલી રેપ પીડિત યુવતી ભાનમાં હતી ત્યાં સુધી પૂછતી રહી કે, 'હું બચી તો જઈશ ને, હું જીવતી રહેવા માંગું છું, મારા દોષિતોને છોડશો નહીં.'

નવી દિલ્હી, તા.૨૩: ઉન્નાવ પીડિતાએ બે દિવસ સુધી જિંદગી સામે જંગ લડ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. રાત્રે ૧૧ વાગીને ૪૦ મિનિટ પર તેને મૃત જાહેર કરવામાં આવી હતી. ઉન્નાવની નિર્ભયાને ૯૦ ટકા બળી ગયેલી હાલતમાં લખનઉથી એરલિફટ કરીને દિલ્હી ખસેડવામાં આવી હતી. ગુરુવારે એરલિફટ કરીને દિલ્હી ખસેડાયા બાદ રાત્રે નવ વાગ્યા સુધી તેણી ભાનમાં હતી. સફદરગંજ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલી રેપ પીડિત યુવતી જયાં સુધી ભાનમાં હતી ત્યાં સુધી પૂછતી રહી કે, 'હું બચી તો જઈશ ને, હું જીવતી રહેવા માંગું છું. મારા દોષિતોને છોડશો નહીં.'

જે બાદમાં નિર્ભયાની હાલત ખરાબ થઈ હતી અને તેણી બેભાન બની ગઈ હતી. ડોકટરોએ તેને બચાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો. તેણીને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવી હતી.

સફદરગંજ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોકટર સુનિલ ગુપ્તાએ જણાવ્યું કે, ગુરુવારે મોડી સાંજે પીડિતાને લખનઉથી એર એમ્બ્યુલન્સમાં દિલ્હી લાવવામાં આવી હતી. હોસ્પિટલ પહોંચતા જ સાત ડોકટરની ટીમે તેની સારવાર શરૂ કરી હતી. બર્ન ડિપાર્ટમેન્ટના હેડ ડોકટર શલભની દેખરેખ હેઠળ પીડિતાની સારવાર ચાલી રહી હતી. ગુરુવારે રાત્રે નવ વાગ્યા સુધી તેણી ભાનમાં રહી હતી. ભાનમાં હતી ત્યારે તેણી એક જ લાઇન બોલી હતી કે, હું બચી તો જઈશ, પરંતુ દોષિતોને છોડશો નહીં.

પીડિત યુવતી સાથે ડિસેમ્બર ૨૦૧૮માં બળાત્કાર થયો હતો. આ અંગે માર્ચ ૨૦૧૯માં ગુનો દાખલ થયો હતો. ગુરુવારે વહેલી સવારે ઉન્નાવથી રાયબરેલી જવા માટે પીડિતા દ્યરેથી નીકળી હતી. આ દરમિયાન રસ્તામાં મુખ્ય આરોપી શુભમ ત્રિવેદી સહિત પાંચ લોકો પીડિતાને ઢસડીને ખેતરમાં લઈ ગયા હતા. અહીં તેણી સાથે મારપીટ કરવામાં આવી હતી, તેના પર ચાકૂથી હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદમાં પાંચેય આરોપીઓએ તેના પર જવલનશીલ પ્રવાહી છાંટીને તેને આગ ચાંપી દીધી હતી. પીડિતા રાયબરેલી ખાતે પોતાના વકીલને મળવા માટે ટ્રેન પકડવા માટે દ્યરેથી નીકળી હતી. આરોપી તાજેતરમાં જ જામીન પર છૂટીને જેલ બહાર આવ્યો હતો.

(3:55 pm IST)