Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ડ્રાઇવિંગ લાઇસન્સ-RCને મોબાઇલ નંબર સાથે લિંક કરાવવાં પડશે

માર્ગ પરિવહન મંત્રાલયે નોટિફિકેશન જારી કર્યુઃ ૧ એપ્રિલ,૨૦૨૦ થી અમલી બનશે

નવી દિલ્હી તા.૭: હવે વાહનોનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી), ડ્રાઇવિંગ લાઇસન્સ (ડીએલ) અને પોલ્યુશન સર્ટિફિકેટ સહિત અન્ય વિવિધ દસ્તાવેજો મોબાઇલ નંબર સાથે લિંક કરવાનું ફરજિયાત થઇ ગયું છે. આ નિયમ ૧ એપ્રિલ ૨૦૨૦ થી લાગુ થઇ જશે. આ માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે એક નોટિફિકેશન ઇશ્યૂ કરીને તેના પર લોકોના અભિપ્રાય માગ્યા છે.

આ નોટિફિકેશનમાં લોકોને ૩૦ દિવસની અંદર એટલે કે ૨૯ ડિસેમ્બર સુધીમાં પોતાના સૂચનો અને અભિપ્રાયો માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયને મોકલવાના રહેશે. આ મામલો ત્યારે સામે આવ્યો હતો. જયારે બુધવારે કેન્દ્રીય કેબિનેટ પર્સનલ ડેટા પ્રોડેકશન બિલને મંજૂરી આપી હતી. આ બિલનો હેતુ પબ્લિક અને પ્રાઇવેટ કંપનીઓ માટે પર્સનલ ડેટાને રેગ્યુલેટ કરવાની વ્યવસ્થા કરવાનો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આરસી બુક, ડ્રાઇવિંગ લાઇસન્સ, પોલ્યૂશન સર્ટિફિકેટ જેવા વાહનના દસ્તાવેજોને તેના માલિકના મોબાઇલ સાથે લિંક કરવાથી વાહનની ચોરીના કિસ્સામાં માહિતી મેળવવામાં મદદરૂપ થશે.

વાહનોના દસ્તાવોજની સાથે મોબાઇલ નંબર લિંક થવાથી ગાડીની ચોરી, લે-વેચ પર પણ અંકુશ રાખવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત એડિશનલ વાહન ડેટા બેઝમાં મોબાઇલ નંબર લિંક થવાથી જીપીએસ ઉપરાંત મોબાઇલ નંબરની મદદથી કોઇ પણ વ્યકિતનું લોકેશન જાણી શકાશે. તેમાં ખાસ કરીને માર્ગ અકસ્માત, અપરાધને અંજામ આપ્યા બાદ સંબંધિત વ્યકિતનો પોલીસ તાત્કાલિક પતો લગાવી શકશે અને ભ્રષ્ટાચારમાં પણ રાહત મળશે.

(3:50 pm IST)