Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ઝારખંડ : બીજા તબક્કામા ૬૩.૩૬ ટકા મતદાન થયું

૨૯ મહિલા સહિત ૨૬૦ ઉમેદવારના ભાવિ સીલ : સાત જિલ્લાઓને આવરી લેતી કુલ ૨૦ સીટો પર મતદાન પરિપૂર્ણ થયું : પોલીસ ગોળીબારમાં એકનું મોત નિપજ્યું

રાંચી,તા. ૭ : ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં આજે હિંસાના છુટાછવાયા બનાવો વચ્ચે ૬૩.૩૬ ટકા સુધી ઉંચુ મતદાન થયું હતું. આની સાથે જ ૨૯ મહિલા અને ૭૩ અપક્ષ ઉમેદવાર સહિત ૨૬૦ ઉમેદવારના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. સાત જિલ્લાઓને આવરી લેતી ૨૦ સીટો પર કેન્દ્રીય દળો સહિત ૪૨૦૦૦ સુરક્ષા જવાનો ગોઠવવામાં આવ્યા હતા. ૬૦૬૬ મતદાન મથકો પૈકી ૯૪૯ને સંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ૧૦૧ મતદાન મથકો ઉપર ખાસ સુવિધા ગોઠવવામાં આવી હતી. ૧૬૬૨ મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. અગાઉ આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે મતદાનની શરૂઆત થઇ હતી. શરૂઆતમાં જ કેટલીક જગ્યાએ લાંબી લાઇનો રહી હતી. જ્યારે કેટલીક જગ્યાએ શરૂઆતમાં ઓછુ મતદાન રહ્યુ હતુ. પ્રથમ તબક્કામાં ઉંચુ મતદાન રહ્યા બાદ બીજા તબક્કામાં પણ ઉંચુ મતદાન થયું હતું.

                 આજે બીજા તબક્કાના મતદાન બાદ હવે ૧૨મી ડિસેમ્બરના દિવસે ત્રીજા તબક્કામાં ૧૭ સીટ પર મતદાન થશે. જ્યારે ૧૬મી ડિસેમ્બરના દિવસે ચોથા તબક્કામાં ૧૫ સીટ પર મતદાન થશે. જ્યારે પાંચમા અને અંતિમ તબક્કામાં ૨૦મી ડિસેમ્બરના દિવસે ૧૬ સીટ પર મતદાન થશે. ૨૩મી ડિસેમ્બરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ વખત શારીરીક રીતે વિકલાંગ અને સિનિયર સિટીઝન માટે ઘરેથી બેઠા બેઠા પોસ્ટલ બેલેટની સુવિધા ઉભી કરવામાં આવી છે. ૮૧ સભ્યોની ઝારખંડ વિધાનસભામાં  સરકાર બનાવવા માટે કોઈ પાર્ટી અથવા તો ગઠબંધનને ઓછામાં ઓછી ૪૧ સીટો જીતવાની જરૂર રહેશે. શાસક પક્ષ ભાજપ અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન ગઠબંધન સરકારની સામે સરકાર બચાવવાનો પડકાર છે.  છેલ્લી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૩૭ અને તેના સાથી પાર્ટીએ ૫ સીટો જીતી હતી. ત્યારબાદ રઘુવરદાસના નેતૃત્વમાં સરકારની રચના કરવામાં આવી હતી. જેની પાંચ વર્ષની અવધી પૂર્ણ થઈ ચુકી છે. ૨૦૧૪માં વિધાનસભા ચૂંટણીમાં કુલ ૮૧ સીટોમાંથી ભાજપે ૩૭ ઉપર જીત મેળવી હતી. એજેએસયુ દ્વારા પાંચ સીટો જીતવામાં આવી હતી. ઝારખંડ મુક્તિ મોરચાની ૧૯ સીટો હતી. બાબુલાલ મારન્ડીના ઝારખંડ વિકાસ મોરચાએ આઠ સીટો જીતી હતી. મોડેથી તેના છ સભ્યો ભાજપામાં સામેલ થઈ ગયા હતા. કોંગ્રેસે સાત સીટો જીતી હતી. જ્યારે અન્યોના ખાતામાં છ સીટો ગઈ હતી. ઝારખંડમાં મતદાર યાદીમાં કુલ ૨.૨૬૫ કરોડ મતદારો છે.

                 આજે  શનિવારના દિવસે બીજા તબક્કામાં ૨૦ સીટો માટે મતદાન થયું હતું.  જમશેદપુર પૂર્વ અને જમશેદપુર પશ્વિમ વિધાનસભા ક્ષેત્રોમાં ગુરુવારના દિવસે સાંજે પાંચ વાગે અને અન્ય ૧૮ વિધાનસભા સીટ પર સાંજે ત્રણ વાગે ચુંટણી પ્રચારનો અંત આવ્યો હતો. આજે જે સીટ પર મતદાન યોજાયું હતું તેમાં બહરાગોડા, ઘાટશિલા, પોટકા, જુગસલાઈ, સરાયકેલા, ખરસાવા, ચાઈબાસા, મઝગાંવ, જગન્નાથપુર, મનોહરપુર, ચક્રધરપુર, તમાડ, માંડર, તોરપા, ખુંટી, સિસઈ, સિમડેગા અને કોલેબિરાનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં ઉંચુ મતદાન થયું હતું. આ વખતે બીજા તબક્કામાં ત્રિકોણીય સ્પર્ધા રહેશે. પ્રથમ તબક્કામાં ૩૦મી નવેમ્બરના દિવસે ૧૩ સીટો પર સઘન સુરક્ષા અને હિંસાની દહેશત વચ્ચે ૬૨થી ૬૪ ટકા વચ્ચે મતદાન થયું હતું. ૮૧ સીટવાળી વિધાનસભા માટે પાંચ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. ૨૩મી ડિસેમ્બરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે.  આજે બીજા તબક્કા દરમિયાન મતદાન મથક નજીક સુરક્ષા દળ દ્વારા કરાયેલા ગોળીબારમાં એકનું મોત થયું હતું. રેપિડ એક્શન ફોર્સની કાર્યવાહીમાં તેનું મોત થયું હતું. કારણ કે આ શખ્સે હથિયાર આંચકી લેવાના પ્રયાસ કર્યા હતા.

બીજા ચરણનું ચિત્ર.....

ઝારખંડમાં આજે બીજા તબક્કા માટે મતદાન પૂર્ણ થયું હતું. પ્રથમ તબક્કાનું ચિત્ર નીચે મુજબ છે.

બીજા તબક્કામાં સીટો...................................... ૨૦

બીજા તબક્કામાં જિલ્લા.................................... ૦૭

મતદાન થયું...................................... ૬૩.૩૬ ટકા

મતદાન મથકોની સંખ્યા............................. ૬૦૬૬

વેબ કાસ્ટિંગ સુવિધા.................................... ૧૬૬૨

મહિલા ઉમેદવારોના ભાવિ સીલ....................... ૨૯

કુલ ઉમેદવારોના ભાવિ સીલ......................... ૨૬૦

સુરક્ષા જવાનો હતા     ૪૨૦૦૦

(9:39 pm IST)