Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ભારતનાં વિદેશી હૂંડિયામણે મારી ઊંચી છલાંગઃ એક દાયકામાં ૬૮.૯૧ ટકાનો વધારો

વિદેશી હૂંડિયાણની અનામતો વધીને ૪૫૧.૭૦ અબજ ડોલર થઈ છે

નવી દિલ્હી, તા.૭: ભારતને એક સમયે વિદેશી હૂંડિયાણની તંગીનો સામનો કરવો પડતો હતો. તો હવે ભારતનાં વિદેશી હૂંડિયાણની અનામતોએ ૩જી ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ૪૫૦ અબજ ડોલરની સપાટી કૂદાવી દીધી છે. આ સાથે જ ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન ફોરેકસ રિઝર્વમાં આશરે ૩૮.૮૦ અબજ ડોલરનો ઉમેરો થયો છે. આ સપ્તાહ દરમિયાન વિદેશી હૂંડિયાણની અનામતો વધીને ૪૫૧.૭૦ અબજ ડોલર થઈ છે.

ડિસેમ્બર ૧૯૯૦માં વિદેશી ભંડોળની અનામતનું પ્રમાણ દ્યટીને ૧ અબજ ડોલરથી પણ નીચી સપાટીએ પહોંચી ગયુ હતું. આ સંજોગોમાં દેશ પાસે ફકત૧૫ દિવસના વિદેશ વ્યાપારના વ્યવહારો સંતોષી શકાય એટલું જ ભંડોળ ઉપલબ્ધ હતુ. ૧૯૯૧માં જયારે ચંદ્રશેખર દેશના વડા પ્રધાન હતા તે સમયે દેશ પાસે વિદેશી ભંડોળ ફકત ૧.૧ અબજ ડોલર રહ્યું હતુ.

અર્થવ્યવસ્થા બાહ્ય ચુકવણીને લઈ દ્યેરી કટોકટીમાં ફસાઈ ગયું હતું ત્યારે રિઝર્વ બેન્કને ૪૭ ટન સોનુ ગીરવે મુકી ઋણ મેળવવાની ફરજ પડી હતી. ૯૦ના દાયકામાં ખાડી યુદ્ઘ અને ઓઈલની તંગી વચ્ચે વિદેશી હૂંડિયામણની અછત વચ્ચે ભારત માટે બાહ્ય ચુકવણીને લઈ ગંભીર કટોકટી સર્જાઈ હતી. આ સંજોગોમાં દેશમાં ઉદારીકરણ અપનાવવામાં આવ્યુ અને વ્યાપાર તથા વિદેશી પોર્ટફોલિયો ફંડને લઈ ઉદાર નીતિ દ્યડવામાં આવી હતી.

ભારતનાં વિદેશી હૂંડિયાણની અનામતો વધીને ૪૫૧.૭૦ અબજ ડોલર થઈ છે. આ સાથે ભારત આશરે ૧૧ મહિનાની આયાત બિલની ચુકવણી કરવાની ક્ષમતા ધરાવે છે. ૦૩ ડિસેમ્બર, ૨૦૧૦ના રોજ વિદેશી ભંડોળ ૨૬૭.૨૩ અબજ ડોલર હતું, જે વધીને ૩ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ૪૫૧.૭૦ અબજ ડોલર થયુ છે. આમ છેલ્લા આશરે એક દાયકામાં વિદેશી હૂંડિયાણમાં ૬૮.૯૧ ટકા એટલે કે આશરે ૧૮૫ અબજ ડોલરનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કુલ વિદેશી હૂંડિયાણ ૪૦૦ અબજ ડોલરની સપાટી પાર કરવામાં ૮૧ સપ્તાહનો સમય લાગ્યો હતો. જો કે આશરે ૨૫૪ સપ્તાહ સુધી ૩૦૦ અબજ ડોલર અને ૪૦૦ અબજ ડોલર વચ્ચે વધઘટ થઈ હતી.

(1:01 pm IST)