Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

વીરપ્પનનું એન્કાઉન્ટર કરનાર પૂર્વ આઇપીએસ અધિકારી કે. વિજય કુમારની વરિષ્ઠ સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્તિ

જમ્મુ-કાશ્મીર અને વામપંથી કટ્ટરવાદ પ્રભાવિત રાજ્યોની સુરક્ષાની સ્થિતિ પર સરકારને સલાહ આપશે

નવી દિલ્હી : કુખ્યાત ચંદન તસ્કર વીરપ્પનનું એન્કાઉન્ટર કરનાર પૂર્વ આઇપીએસ અધિકારી કે. વિજય કુમારને કેન્દ્ર સરકારે મોટી જવાબદારી સોંપી છે.

  કે. વિજય કુમારને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ  શાહના નેતૃત્વ હેઠળના ગૃહ મંત્રાલયમાં વરિષ્ઠ સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. તેઓ જમ્મુ-કાશ્મીર અને વામપંથી કટ્ટરવાદ પ્રભાવિત રાજ્યોની સુરક્ષાની સ્થિતિ પર સરકારને સલાહ આપશે.

     પહેલાં કે. વિજય કુમાર, અવિભાજિત જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર તરીકે કામ કરી ચુક્યા છે. તેઓ તે સમયે વધુ ચર્ચામાં આવ્યાં હતાં જ્યારે તેમણે 2004માં ખૂંખાર ચંદન તસ્કર વીરપ્પનને ઠાર કરનાર સ્પેશિયલ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કર્યુ હતું.

   કે. વિજય કુમાર, તમિલનાડુ કેડરની 1975 બેચના આઇપીએસ અધિકારી છે. તેમને લઇને જારી કરવામાં આવેલા સત્તાવાર આદેશમાં કહેવામાં આવ્યું છે કે આઇપીએસ અધિકારી કે. વિજય કુમારને કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં વરિષ્ઠ સુરક્ષા સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યાં છે. તેઓ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને વામંપથ કટ્ટરવાદ પ્રભાવિત રાજ્યો વિશે ગૃહ મંત્રાલયને સુરક્ષા સંબંધિત મામલે સલાહ આપશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી ત્રણ ડિસેમ્બરે તેમની નિયુક્તિના આદેશ જારી કરવામાં આવ્યા, જે અનુસાર તેઓ એક વર્ષ સુધી પદ પર રહેશે.

(1:03 am IST)