Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

દુનિયાનાં સૌથી વયસ્ક, ૧૦૭ વર્ષનાં યુટયુબર માજીનું અવસાન થયું

હૈદ્રાબાદ, તા.૭: આંધ્ર પ્રદેશના ગંટુર ગામમાં રહેતાં ૧૦૭ વર્ષનાં મસ્તન્નમા તરીકે જાણીતાં યુટયુબર માજીએ પોતાની કુકિંગ-સ્ટાઇલથી પોતાના પરિવાર કે ગામનાં લોકોનાં જ નહીં, દેશ અને વિદેશના લોકોનાં દિલ પણ જીતી લીધાં હતાં. જોકે આ માજીનું તાજેતરમાં નિધન થયું હતું. મસ્તન્નમાની યુટયુબ પર કન્ટ્રી ફૂડસ નામની ચેનલ ચાલે છે અને એના બાર લાખની વધુ સબસ્ક્રાઇબર્સ પણ છે. ૨૦૧૬માં આ ચેનલ શરૂ થઇ હતી. વાત એમ હતી કે તેમના દૂરના એક સંબંધી લક્ષ્મણ અને તેના દોસ્તો હૈદરાબાદથી આવ્યા ત્યારે તેમણે રીંગણીની સબ્ઝી બનાવીને આપી. આ દોસ્તોએ માજી જયારે ચૂલા પર ખાવાનું બનાવી રહ્યાં હતાં એ ઘટનાને વિડિયો ઉતારેલો જેને એડિટ કરીને તેમણે યુટયુબ પર અપલોડ કર્યો. પહેલા જ વિડિયોને ૭૫,૦૦૦થી વધુ વ્યુઝ મળતાં મસ્તનમ્માની ચેનલ શરૂ કરવામાં આવી. એ પછી તો વિલેજ-સ્ટાઇલ () ચિકન, વોટરમેલન ચિકન કરી, કબાબ જેવી ચીજોના વિડિયો વર્લ્ડ ફેમસ થઇ ગયા.

માજીનાં લગ્ન ૧૧ વર્ષની ઉંમરે થઇ ગયેલાં. તેમને પાંચ સંતાનો હતાં એમાંથી હાલમાં માત્ર એક જ સંતાન જીવિત છે. બાવીસ વર્ષની ઉંમરે પતિ મૃત્યુ પામ્યા એ પછી તેમણે લોકોને ત્યાં ખાવાનું બનાવીને સંતાનોને મોટાં કર્યા હતાં. સી-ફૂડ બનાવવામાં મસ્તનમ્મા માહોર હતાં. ગુંટરમાં નદીની પાસે જ તેઓ રહેતાં હતાં. તેમની ખાવાનું બનાવવાની અત્યંત દેશી સ્ટાઇલ  લોકોને બહુ પસંદ હતી. છેલ્લા છ મહિનાથી તેમનાથી યુટયુબ ચેનલ પર એક પણ વિડિયો અપલોડ થયો નહોતો. તેમના ફેન્સને ચિંતા હતી કે માજીનું સ્વાસ્થ્ય તો સારું હશેને? સોમવારે આ ચેનલ પર તેમના મૃત્યુના સમાચાર સાથે તેમની જીવનસફર વર્ણવતો વિડિયો પણ અપલોડ કરવામાં આવ્યો હતો.

(3:44 pm IST)