Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

મારું અપમાન એ સમગ્ર મહિલાઓના અપમાન સમાન છેઃ વસુંધરા રાજે

નવી દિલ્હી, તા.૭: રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે પર વિવાદાસ્પદ નિવેદન આપવાથી શરદ યાદવ વિવાદના વાદળોમાં ઘેરાઈ ગયા છે. શરદ યાદવના આપત્તિજનક નિવેદન પર વસુંધરા રાજેએ આશ્ચર્ય વ્યકત કરવાની સાથે સાથે વળતો જવાબ પણ આપ્યો છે. તેમણે કહ્યું કે શરદ યાદવે ફકત તેમનું જ નહીં પરંતુ દરેક મહિલાઓનું અપમાન કર્યું છે. આ સાથે જ તેમણે ચૂંટણી આયોગ સમક્ષ આ અંગે જરૂરી પગલા લેવા માટે અને એક દાખલો પૂરો પાડવા માટેની અપીલ કરી છે.

 રાજસ્થાનમાં મતદાન કરવા પહોંચેલ વસુંધરા રાજેએ કહ્યું કે, 'મને આ નિવેદન પર આશ્ચર્ય થાય છે. આ ફકત મારું જ નહીં પરંતુ સમગ્ર મહિલાઓનું અપમાન છે. આજના યુવાનો શરદજી જેવા નેતાઓને અનુસરતા હોય છે. મને તેમના જેવા વરિષ્ઠ નેતા પાસેથી આવા નિવેદનની આશા ન હતી. મારા માટે કરાયેલ આ ટિપ્પણીના કારણે હું અપમાન અનુભવી રહી છું. મને આશા છે કે ચૂંટણી આયોગ પંચ આવા નિવેદનો પર કડક પગલા લઈને દાખલો બેસાડશે.'

 ઉલ્લેખનીય છે કે, અલવરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક ચૂંટણી સભા દરમિયાન શરદ યાદવે જનતા સમક્ષ કહ્યું કે, 'વસુંધરા રાજેને હવે આરામ કરવા દેવો જોઈએ, તેઓ હવે થાકી ગયા છે. પહેલા તેઓ પાતળા હતા પરંતુ હવે તેઓ ખૂબ જાડા પણ થઈ ગયા છે. વસુંધરા અમારા મધ્યપ્રદેશની દીકરી છે.'(

(3:31 pm IST)