Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

તાલુકા-જિલ્લા પંચાયતો પાસેથી બિનખેતીની સત્તા છીનવાઇઃ કલેકટરના હવાલે

કારોબારીના કાવડિયાનો કકળાટ બંધ કરવા ઓનલાઇન મંજુરી પધ્ધતિઃ સરકારનો ક્રાંતિકારી નિર્ણય : આજથી જ અમલની કૌશિક પટેલની જાહેરાતઃ આખરી નિર્ણય ન થયા હોય તેવા તમામ કેસ કલેકટરને સોપાશે

 ગાંધીનગર, તા. ૭ :. રાજ્ય સરકારે તાલુકા અને જિલ્લા પંચાયત વિસ્તારમાં જમીન બીનખેતી કરવાની સત્તા કારોબારી સમિતિ પાસેથી આંચકીને કલેકટરના હવાલે કરી દીધી છે. જેનો આજથી જ અમલ કરવાની જાહેરાત મહેસુલ મંત્રી કૌશિક પટેલે કરી છે. બીનખેતીના ભ્રષ્ટાચારનો દરવાજો બંધ કરવા ઓનલાઈન મંજુરી પદ્ધતિનો સરકારે ક્રાંતિકારી નિર્ણય કર્યો છે.

બીનખેતીમાં એનઓસી મેળવવામાં અને મંજુરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાની બુમરાળને પગલે સરકારે શહેરી વિસ્તારોમાં (કલેકટર તંત્ર) ગઈ લાભ પાંચમથી બીનખેતીની ઓનલાઈન પદ્ધતિ અમલમાં મુકી દીધેલ હવે તેની સફળતાના પગલે પંચાયત ક્ષેત્રમાં પણ ઓનલાઈન પદ્ધતિ અમલમાં મુકી સઘળી કામગીરી કલેકટર તંત્રને હવાલે કરી છે.

મહેસુલ મંત્રીએ જાહેર કર્યા મુજબ આજથી જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઓનલાઈન પધ્ધતિનો અમલ થશે. આ અંગેનું જાહેરનામુ બહાર પડી ગયુ છે. બીનખેતીની માટેની અરજીમાં જેમા આખરી નિર્ણય ન થયા હોય તેવા તમામ કેસ હવે કલેકટરના હવાલે રહેશે.

(3:29 pm IST)