Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ટૂંક સમયમાં જ ડેબિટ કાર્ડ વગર ATMમાંથી નીકળશે પૈસા

એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરવી પડે

નવી દિલ્હી તા. ૭ : ટૂંક જ સમયમાં કોઈ પણ પ્રકારના ડેબિટકાર્ડ વગર ATMમાંથી પૈસા ઉપાડી શકાશે. આ માટે મોબાઈલની મદદથી ATMની સ્ક્રિન પરનો એક કોડ સ્કેન કરવાનો રહેશે. ATM સર્વિસ આપનારી કંપની એજીએસ ટ્રાન્ઝેકટ ટેકે યુપીઆઈની મદદથી એટીએમમાંથી કેશ ઉપાડવાનો રસ્તો શોધી કાઢ્યો છે. યુપીઆઈ (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) કેશ સર્વિસ માટે કોઈ ખાસ પ્રકારની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી.

આ માટે ખાતા ધારકો પાસે યુપીઆઈલેસ બેંકિગ મોબાઈલ એપ્લિકેશન હોવી અનિવાર્ય છે. આજકાલ લગભગ તમામ બેન્કની એપ્લિકેશનમાં યુપીઆઈની સુવિધા હોય છે. આ માટે હવે ખાતાધારકોએ હવે માત્ર એક કયુઆર કોડ સ્કેન કરવાનો રહેશે. આમ કરવાથી તમારા બેન્ક ખાતામાંથી રકમ એ બેન્ક ખાતામાં જતી રહેશે જેના એટીએમમાંથી પૈસા ઉપાડી રહ્યા છો. ત્યાર બાદ એ એટીએમમાંથી આ રકમ મળી રહેશે. સમગ્ર પ્રક્રિયા ટેકનોલોજી આધારિત હોવાને કારણે આમ કરવામાં વધુ સમય નહીં બગડે.

એજીએસ ટ્રાંઝેકટ ટેકના સીએમડી રવિ ગોયલના જણાવ્યા અનુસાર આ પ્રક્રિયાનો ડેમો તેને બેન્કને બતાવ્યો હતો. બેન્ક આ પ્રક્રિયાને લઈને ઉત્સાહિત છે. આ સર્વિસને હાલમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની પરવાનગી મળવાની બાકી છે. બેન્ક તરફથી આપવામાં આવતી આ સુવિધા માટે વધારાનો કોઈ ચાર્જ ભરવો નહીં પડે. આ ઉપરાંત હાર્ડવેરમાં પણ ફેરફાર કરવાની જરૂર નથી.

જોકે, આ માટે એટીએમના સોફટવેરમાં કેટલાક ફેરફાર કરવામાં આવશે. આ સાથે જ બેન્કે યુપીઆઈ વર્ઝન ૨.૦નો ઉપયોગ કરવાનો રહેશે. દેશમાં યુપીઆઈથી થતા પેમેન્ટમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ગત મહિને ૮૨,૨૩૨ કરોડ રૂપિયાના ૫૨ કરોડ ટ્રાંઝેકશન થયા હતા. જોકે આ સુવિધા કયારે અને કેવી રીતે અમલી બનશે એ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

(11:51 am IST)