Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

રાષ્ટ્રીય પેન્શન યોજનામાં મૂળ પગાર પર સરકારનું યોગદાન ૧૦ ટકાથી વધારી હવે ૧૪ ટકા

મોદી સરકારે કર્મચારી વર્ગને આપી મોટી ભેટ

નવી દિલ્હી, તા. ૭ :. સરકારી કર્મચારીઓને નવા વર્ષની આનાથી સારી ભેટ બીજી ન હોય શકે. કેન્દ્રીય મંત્રી મંડળે ગુરૂવારે રાષ્ટ્રીય પેન્શન યોજના (એન.પી.એસ.)માં મૂળ વેતન પર સરકારના યોગદાનને ૧૦ ટકાથી વધારીને ૧૪ ટકા કરવા માટે પોતાની મંજુરી આપી દીધી છે. જ્યારે કર્મચારીનું યોગદાન ૧૦ ટકા યથાવત રખાયુ છે.

મંત્રી મંડળે ૧૦ ટકાથી વધારેના યોગદાન પર આવક વેરા કાયદાની કલમ ૮૦ સી હેઠળ ટેક્ષ લાભ દેવા બાબતે પણ મંજુરી આપી છે. હાલમાં સરકાર અને કર્મચારી બન્ને મૂળ વેતનના ૧૦-૧૦ ટકા યોગદાન આપે છે.

હવે કર્મચારીનું ઓછામાં ઓછું યોગદાન ૧૦ ટકા જ રહેશે, પણ સરકારનું યોગદાન ૧૦ ટકાથી વધીને ૧૪ ટકા થઈ જશે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં સરકારી કર્મચારીઓને રીયાટરમેન્ટ વખતે ૬૦ ટકા સુધીની રકમ ઉપાડવાની પણ મંજુરી અપાઈ છે. અત્યાર સુધીને ૪૦ ટકા સુધી સીમીત હતી.

મંત્રી મંડળના નિર્ણય અનુસાર જો કર્મચારી રીટાયરમેન્ટ વખતે તેની એનપીએસમાં જમા થયેલ રકમમાંથી કંઈ ન ઉપાડે તો તેનુ પેન્શન તેના છેલ્લા પગારના ૫૦ ટકાથી વધારે થશે.

રાજસ્થાનમાં શુક્રવારે થનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણયની જાહેરાત નથી કરાઈ. એવું માનવામાં આવે છે કે આ નવા સુધારાનો અમલ ૧ એપ્રિલ ૨૦૧૯થી કરાશે.(૨-૪)

 

(11:46 am IST)