Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

દેશમાંથી સિંગતેલની નિકાસ એપ્રિલથી સપ્ટેમ્બરમાં બમણી થઇ

તમામ ખાદ્ય તેલની નિકાસમાં ૭૮ ટકાનો વધારો જોવા મળ્યો

મુંબઇ તા.૭: દેશમાં એક તરફ ખાદ્ય તેલની વિક્રમી આયાત થાય છે ત્યારે બીજી તરફ દેશમાંથી સિંગતેલ સહિતનાં તેલોની નિકાસ પણ વધી રહી છે. ચાલુ નાણાકીય વર્ષનાં પ્રથમ છ મહિના એપ્રિલથી સપ્ટેમ્બર મહિના દરમ્યાન સિંગતેલની નિકાસ બમણી થવાથી કુલ નિકાસમાં ગયા વર્ષની તુલનાએ ૭૮ ટકાનો વધારો જોવા મળ્યો છે.

સોલ્વન્ટ એકસટ્રેકટર્સ અસોસિએશન ઓફ ઇન્ડિયા (સી)ના આંકડાઓ પ્રમાણે દેશમાંથી એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૧૮ દરમ્યાન તમામ ખાદ્ય તેલોની કુલ નિકાસ ૨૯,૩૨૫ ટનની થઇ છે જે ગયા વર્ષે ૧૬,૪૮૧ ટનની થઇ હતી. મૂલ્યની રીતે નિકાસ દ્વારા દેશને કુલ ૨૯૦.૨૧ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે, જયારે ગયા વર્ષે ૧૭૦.૨૦ કરોડ રૂપિયા મળ્યા હતા.

દેશમાંથી ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના દરમ્યાન સિંગતેલની કુલ નિકાસ ૧૫,૨૬૪ ટનની થઇ છે, જે ગવા વર્ષે ૬૯૮૧ ટનની થઇ હતી. આમ નિકાસમાં ૧૧૮ ટકાનો વધારો થયો છે. આ સમયગાળામાં તલના તેલની ૨૬૪૧ ટનની નિકાસ થઇ છે, જે ગયા વર્ષે ૧૭૫૭ ટનની થઇ હતી. રાઇસબ્રાન તેલ અને બીજાં તેલોની મળીને કુલ ૬૪૨૯ ટનની નિકાસ થઇ છે, જે ગયા વર્ષે ૪૧૬૦ ટનની થઇ હતી.

ખાદ્ય તેલની નિકાસમાં વધારા વિશે એક ટ્રેડરે જણાવ્યું હતું કે 'ભારત સરકારે બલ્કમાં સિંગતેલન નિકાસ કરવાની છૂટ આપી હોવાથી નિકાસની પડતર પણ ઘટી છે અને સરેરાશ ભારતીય સિંગતેલની ડિમાન્ડ વધી હોવાથી નિકાસ વધી છે. ચીન ભારતીય સિંગતેલની સૌથી વધુ આયાત કરે છે.'

(12:40 pm IST)