Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

આવતા વર્ષથી ‘આદી અમરનાથ’ના પણ દર્શન થઈ શકશે ::ઉત્તરાખંડના તિમરસેન હિલ પર બને છે બરફનું શિવલિંગ :વસંત પચમીથી યાત્રા શરૂ

ઉત્તરાખંડ સરકાર વર્ષ 2019થી અમરનાથ યાત્રા જેમ જ ‘આદી અમરનાથ યાત્રા’ શરૂ કરવા જઈ રહી છે. આ યાત્રામાં ઉત્તરાખંડની નીતિ વેલીના તિમરસેન સુધી યાત્રીઓ જઈ શકશે, જ્યાં શિયાળામાં બરફનું શિવલિંગ બને છે.

  ઉત્તરાખંડમાં ઘણા ધાર્મિક સ્થળ આવેલા છે. અહીં વર્ષે લાખો યાત્રીઓ આવે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ‘આદી અમરનાથ યાત્રા’ શરૂ થવાથી ઉત્તરાખંડના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ટુરિઝમ યોગેન્દ્ર કુમાર ગંગવારે જણાવ્યું કે, આ યાત્રા વસંત પચમીના દિવસે એટલે કે, 10 ફેબ્રુઆરીથી શરૂ થાય તેવી શક્યતા છે અને તે 4થી માર્ચ સુધી ચાલશે.
  નીતિ ગામના લોકોનું માનવું છે કે, તિમરસેન હિલ પર બરફનું શિવલિંગ બને છે. લોકોનું એવું પણ માનવું છે કે, કૈલાસ જતા પહેલા ભગવાન શિવ અહીં રોકાયા હતા અને આરામ કર્યો હતો.
  નીતિ ગામમાં એક સમયે 250 પરિવારો રહેતા હતા, પણ રોજગારની શોધમાં ધીરે-ધીરે ગામ છોડવા લાગ્યા અને હવે અહીં માત્ર 35 પરિવાર જ રહ્યા છે. એટલું જ નહીં, શિયાળામાં વધારે બરફ પડે ત્યારે અહીંના લોકો બાજુના ગામમાં જતા રહે છે અને જૂન મહિનામાં પાછા આવે છે. પણ, હવે આ યાત્રા શરૂ થવાથી અહીંના લોકોને નિશ્વિત આવક મળતી થશે. અહી યાત્રીઓ માટે હોમસ્ટેની સુવિધા શરૂ કરવાની યોજના પર પણ તંત્ર વિચારણા કરી રહ્યું છે.

(12:00 am IST)