Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

હવે એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ ટેક્સ્ટ બુક સાથે રાખીને આપી શકશે પરીક્ષા

ઓપન ટેક્સ્ટ બુક એક્ઝામની મંજૂરી: છાત્રોએ સમજ અને વ્યવહારિક જ્ઞાનની મદદથી જવાબ આપવાના રહેશે

નવી દિલ્હી :ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઇસીટીઇ) દ્વારા નવી પરીક્ષા અંતર્ગત ઓપન ટેક્સ્ટ બુક એક્ઝામની મંજૂરી આપી દેતાં હવે એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ પરીક્ષાના સમયે તેમની સાથે ટેક્સ્ટ બુક પણ રાખી શકશે.

    હવે એક્ઝામ પેટર્ન બદલાઈ જશે, જેમાં હવે પરીક્ષામાં મલ્ટી ડિસિપ્લિનરી સવાલો પૂછવામાં આવશે, જેના જવાબો ટેક્સ્ટ બુક કે નોટ્સમાંથી કોપી કરીને નહીં આપી શકાય અને વિદ્યાર્થીએ પોતાની સમજ અને વ્યવહારિક જ્ઞાનની મદદથી જવાબ આપવાના રહેશે.

 હવે બી.ટેક, એમ. ટેક, એમબીએ પ્રોગ્રામના સ્ટુડન્ટ્સે 36 ટકા સવાલોના જવાબ સબ્જેક્ટની સમજ પ્રમાણે આપવાના રહેશે. 46 ટકા સવાલો પ્રેક્ટિકલ નોલેજ પર આધારિત રહેશે તેમજ 18 ટકા સવાલના જવાબ એવા હશે, જે એનાલિટિકલ હશે.

  આ પહેલાં સીબીએસઈ દ્વારા 2014માં આ પ્રકારની એક્ઝામ પેટર્ન શરૂ કરી હતી, જેમાં ધોરણ 9 અને 11માં વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમાં પાઠ્યપુસ્તકો સાથે લઈ જવાની છૂટ આપવામાં આવી હતી, જેનો દેશભરમાં વિરોધ થયો હતો.

(9:44 pm IST)