Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

કાશ્મીર : અંકુશરેખા ઉપર બીજા દિને પણ ગોળીબાર

પાકિસ્તાની ગોળીબારમાં એક જવાન શહીદ થયો : આતંકવાદીઓને ઘુસાડવાના હેતુસર ગોળીબાર : નિયંત્રણ રેખા પાસે વિસ્તારોમાં સેના દ્વારા હાઈએલર્ટ જાહેર કરાયું

શ્રીનગર, તા. ૬ : કાશ્મીર ખીણમાં સતત બીજા દિવસે પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેના દ્વારા ઉત્તરીય કાશ્મીરના કુંપવારા જિલ્લામાં સેનાની અગ્રિમ ચોકીઓ ઉપર ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારીમાં ભારતીય સેનાના એક જવાનનું મોત થયું હતું. આજે સાંજે યુદ્ધવિરામનો ભંગ કરીને પાકિસ્તાન તરફથી ગોળીબાર કરાયા હતા. ભારતીય સેનાએ સુરક્ષા વ્યવસ્થા વધારે મજબૂત કરી હતી. સેનાએ હાઈએલર્ટની જાહેરાત પણ કરી લીધી છે. પાકિસ્તાન દ્વારા આજે સાંજે કુંપવારાના માછીલ સેક્ટરમાં ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. જે વિસ્તારમાં પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો છે ત્યાંથી અગાઉ અનેક વખત ત્રાસવાદીઓ ઘુસણખોરી કરતા રહ્યા છે. આવી સ્થિતિમાં ગોળીબારના ભાગરુપે આતંકવાદીઓને ઘુસાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સેનાએ હવે એલઓસી પર હાઈએલર્ટની જાહેરાત કરી દીધી છે. બીજી બાજુ પાકિસ્તાનની સેના દ્વારા ગોળીબાર કરવામાં આવ્યા બાદ સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા બુધવારની રાત્રે પણ પાકિસ્તાન તરફથી બારામુલ્લાના ઉરી સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. સેનાએ રાતના સમયે બારામુલ્લામાં ભારે ગોળીબાર કર્યો હતો જેમાં સેનાના એક જવાનને ઇજા થઇ હતી. ઘાયલ જવાનને તાત્કાલિક ધોરણે શ્રીનગરના બેઝ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ અન્ય એક જવાનનું મોત થયું હતું. પાકિસ્તાની સેના દ્વારા ઘુસણખોરીના પ્રયાસો વધારવાના હેતુસર હાલમાં ફરીવાર ગોળીબાર શરૂ કર્યો છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લાકેટલાક દિવસથી શાંતિ રહી છે ત્યારે યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર મારફતે આતંકવાદીઓને ઘુસાડીને રક્તપાત ફરી શરૂ કરવાની પાકિસ્તાનની ખતરનાક યોજના રહેલી છે પરંતુ આ વખતે સેનાએ અંકુશરેખા નજીકના વિસ્તારોમાં હાઈએલર્ટની જાહેરાત કરી છે.

 

(8:24 pm IST)