Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

નરેન્દ્ર મોદીની ૫ મોટી યોજના ૨૦૧૯માં પલટી શકે છે બાજી

કેન્દ્ર સરકારની આ પાંચ યોજનાઓના આંકડા બીજેપીને ફરી સત્તા પર લાવી શકે

નવી દિલ્હી તા. ૬ : પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણી બાદ અનૌપચારીક રીતે દેશમાં ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ જશે. ૨૦૧૪માં વિરોધ પક્ષમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહ્રહુમત સાથે દેશની પહેલી બહુમતિ ધરાવતી ભાજપની સરકાર બની અને નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા. હવે પોતાનો પહેલો કાર્યકાળ પુરો કરી રહેલા નરેન્દ્ર મોદી ફરી એકવાર બીજા કાર્યકાળ માટે જનતા વચ્ચે જશે.

આગામી લોકસભાની ચૂંટણીમાં પાર્ટી પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન લાગુ કરવામાં આવેલી યોજનાઓ અને કામોના આધારે સત્તામાં યથાવત રહેવાનો પ્રયાસ કરશે. કેન્દ્ર સરકારની પાંચ એવી યોજનાઓ છે જેના આંકડાઓ પર નજર કરવામાં આવે ભાજપ ૨૦૧૯માં ફરી એકવાર સત્તામાં પાછી ફરી શકે છે.

મુદ્રા યોજના

પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત નોન બેંકિંગ ફાઈનાંશિયલ કંપની અને માઈક્રો ફાઈનાંસ ઈન્સ્ટીટ્યૂશન દ્વારા નાના અને મધ્યમ વ્યાપારીઓને કોઈ જ પ્રકારની સિકયૂરિટી વગર લોન આપવાની જોગવાઈ છે. આ લોન નોન એગ્રીકલ્ચર સેકટરમાં નાના વ્યાપારીઓને પ્રોત્સાહન આપવા રોજગાર વધારવા માટે આપવામાં આવે છે. આ યોજનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ એપ્રિલ ૨૦૧૫માં લોંચ કરી હતીએ અને જેને અંતર્ગત અત્યાર સુધીમાં ૫.૭૧ લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. આ યોજનાનો લાભ ત્રણ જ વર્ષમાં ૧૨.૨૭ કરોડ લોકોને આપવામાં આવ્યો છે જેમાં ૩.૪૯ કરોડ લાભાર્થીઓએ નવો વ્યાપાર શરૂ કર્યો છે.

ઉજ્જલા

પ્રધાનમંત્રી ઉજ્જલા યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે જીવતા ૫ કરોડ પરિવારોને કોઈ પણ પ્રકારની સિકયોરિટી રકમ વગર એલપીજી કનેકશન આપવાની જોગવાઈ છે. આ યોજના લોંચ થયા બાદ ૫ કરોડ પરિવારોને તેનો લાભ આપવાનું લક્ષ્યાંક માત્ર ૨૮ મહિનામાં જ પુરૂ કરી લેવામાં આવ્યું જે એક રેકોર્ડ છે. ત્યાર બાદ ચાલુ નાણાંકિય વર્ષ દરમિયાન આ યોજનાનું લક્ષ્યાંક ૮ કરોડ પરિવારને લાભ આપવાનું કરી દેવામાં આવ્યું છે અને કેન્દ્રીય બજેટમાંથી આ યોજના માટે ૧૨,૮૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

આવાસ

ગ્રામીણ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દેશના તમામ પરિવારો માટે ૨૦૨૨ સુધીમાં ઘરના ઘરની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ૨૦ નવેમ્બર ૨૦૧૬ના રોજ લોંચ કરવામાં આવી અને ૨૦૨૨ સુધીમાં ૨.૯૨ કરોડ મકાનો બનાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આ યોજનાના પહેલા તબક્કામાં ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં ૧ કરોડ પાક્કા મકાનો બનાવવાનું લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે નાણાંકિય વર્ષ ૨૦૧૪-૧૫થી ૨૦૧૭-૧૮ સુધી ગ્રામીણ વિસ્તારમાં કુલ ૧.૦૭ કરોડ પાકા મકાનો તૈયાર કરવામાં આવ્યા છે. તેમાંથી ૩૮.૨૦ લાખ મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અને બાકીના મકાનો ઈંદિરા આવાસ યોજના અંતર્ગત બન્યા છે.

શૌચાલય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનને ૨ ઓકટોબર ૨૦૧૪ના રોજ લોંચ કર્યુ અને ૨ ઓકટોબર ૨૦૧૯ સુધી આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં પૂર્વ સ્વચ્છતાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત ગ્રામીણ પરિવારોના ઘરમાં શૌચાલય બનાવવા માટે ૧૨,૦૦૦ કરોડ રૂપિયા આપવાની જોગવાઈ છે. આ રકમ કેન્દ્ર અને રાજય સરકારના નિર્ધારીત કરવામાં આવેલા એક ફોર્મ્યુલા અંતર્ગત આપવામાં આવશે. કેન્દ્ર સરકારના આંકડા અનુંસાર ૩૧ ઓગષ્ટ ૨૦૧૮ સુધી ૮૮.૯ ટકા ગ્રામીણ વિસ્તારમાં શૌચાલયનું બાંધકામ પુરૂ કરી લેવામાં આવ્યું છે. યોજનાને ૨૦૦૧૪માં લોંચ કરવામાં આવ્યા બાદથી લઈને અત્યાર સુધીમાં ૭.૯૪ કરોડથી વધારે શૌચાલયનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ નિર્માણ ૧૯ રાજયોના ૪૧૯ જીલ્લામાં ૪.૦૬ લાખ ગામડાઓમાં કરવામાં આવ્યું છે અને આ ગામડાઓને ખુલામાં શૌચક્રિયાથી મુકત બનાવવામાં આવ્યા છે.

જનધન

પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત સમાજના નબળા વર્ગ અને ઓછી આવક ધરાવતા પરિજનોને બેંકિંગ સુવિધા પુરી પાડવાની જોગવાઈ છે. આ યોજના અંતર્ગત ગરીન નાગરિકોને સેવિંગ બેંક એકાઉટની સાથો સાથ લોન લેવી, પૈસા ટ્રાંસફર કરવા, વિમા અને પેંશન જેવી સુવિધાઓ સાથે પણ જોડવામાં આવી છે. કેન્દ્ર સરકારના તાજેતરના આંકડા અનુંસાર દેશમાં ૩૨.૪૧ કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે. આ ખાતામાં કુલ જમા ૮૧,૨૦૦ કરોડથી વધારે છે. જનધન અંતર્ગત ખોલવામાં આવેલા ખાતામાં ૫૩ ટકા ખાતા મહિલાઓના નામે છે જયારે ૫૯ ટકા ખાતા દેશના ગ્રામીણ વિસ્તારો અને ગામડાઓમાં ખોલવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત સરળતાથી ટ્રાંજેકશન કરવા માટે જનધન ખાતા પર ૨૪.૫ કરોડ રૂપે કાર્ડ પણ આપવામાં આવ્યા છે.(૨૧.૨૨)

 

(3:58 pm IST)