Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ભાજપનો નવો વ્યુહઃ મોદી-રાહુલની સરખામણી આધારિત જ પ્રચાર

અન્ય મુદ્દાઓ નહિ જામતા હવે બે મુખ્ય પ્રતિસ્પર્ધીઓના વ્યકિતને જ ચૂંટણીનો મુદ્દો બનાવવાનો પ્રયાસઃ લોકસભાની ચૂંટણી વખતે લોકો વડાપ્રધાન પદ માટે બંન્નેની તુલના કરે તો પહેલી પસંદ મોદી જ બને તેવી ભાજપની ધારણા

રાજકોટ તા.૬: લોકસભાની ચૂંટણીમાં અન્ય કોઇ મુદ્દા ચાલે કે ન ચાલે ભાજપે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના વ્યકિતત્વને જ પ્રચારનો મુદ્દો બનાવવાની દિશા પકડયાનું ભાજપના ટોચના વર્તુળો જણાવે છે. દેશના મતદારો બંન્નેની પ્રતિભાની સરખામણી કરે તો તેમાં પહેલી પસંદ મોદી જ બને તેવી આશા સાથે ભાજપે દેશવ્યાપી પ્રચાર અભિયાનો ચલાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. ખુદ મોદી પણ છેલ્લા કેટલાક સમયથી 'નામદાર સામે કામદાર' જેવા શબ્દ પ્રયોગ કરી આગામી સમયના ભાજપા પ્રચારના એંધાણ આપી રહયા છે.

ભાજપે વિકાસ, રામ મંદિર, રાષ્ટ્રવાદ વગેરે મુદ્દા ઉપસાવવા પ્રયાસ કર્યા છે પણ તેને અપેક્ષા મુજબ જન-પ્રતિસાદ મળતો નથી તેથી હવે વડાપ્રધાન પદ માટે કોણ યોગ્ય? તેવા મતલબના સવાલ સાથે મોદી-ગાંધીની સરખામણી કરવામાં આવશે.

ભાજપ માટે ૨૦૧૪ કરતા અત્યારે પરિસ્થિતિ જુદી છે. તે વખતે વચનો આપવાના હતા હવે કામગીરીનો હિસાબ આપવાનો છે. સરકાર સામે જેે લોકો નારાજ છે તેની નારાજગી દૂર કરીને ભાજપ તરફી જુવાળ સર્જવા માટે નવો મુદ્દો જરૂરી છે. ચૂંટણી સુધીમાં અન્ય કોઇ પ્રભાવક મુદ્દા ન મળે તો મોદી-રાહુલની સરખામણીનો મુદ્દો હાથવગો રાખવાની ભાજપે તૈયારી કરી છે. રાહુલના જુદા-જુદા સમયના પ્રવચનો, નિવેદનો વગેરેના આધારે પ્રચારનો મસાલો ભાજપ તૈયાર કરશે. મોદીને પ્રભાવશાળી નેતા તરીકે ઉપસાવવાનો અને રાહુલને અપરિપકવ નેતા તરીકે ચીતરવાનો ભાજપનો ઇરાદો જણાય છે.

જો કોંગ્રેસ સહિતના વિપક્ષો ભાજપ સામે મહાગઠબંધન કરી રાહુલ સિવાઇ અન્ય કોઇને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આગળ કરે તો ભાજપે રાહુલને નિશાન બનાવીને કરવા ધારેલા પ્રચારનું સૂરસૂરીયું થઇ જશે પરંતુ હાલ એવી શકયતા નહિવત છે.(૧.૧૪)

 

(3:57 pm IST)
  • રાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST

  • મહેસાણા : ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં જુનીયર આસિસ્ટન્ટની ભરતીનો મુદ્દો :ભરતીમાં ગેરરીતિ હોવાની ફરિયાદ બાદ કલાર્કને સસ્પેન્ડ કરાયો :ઉમેદવારોએ જવાબદારો સામે પગલા ભરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો access_time 3:21 pm IST

  • રોબર્ટ વાડ્રા વિરુદ્ધ બદલાની ભાવનાથી કામ કરી રહી છે મોદી સરકાર :વાડ્રા વિરુદ્ધ ઇડીની કાર્યવાહીથી કોંગ્રેસ ગિન્નાઈ :વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી જવાથી હતાશ થઈને ઇડીના દરોડા પાડયા :કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે બદલો લેવા જુના હથિયારોનો સહારો લઈને લોકોનું ધ્યાન ભટકવા પ્રયાસ કર્યો :આ પ્રકારની કાયરતા અને ધમકીભરી કાર્યવાહીથી કોંગ્રેસ અને તેના લોકો ઝુકવાના નથી access_time 1:01 am IST