Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

સુપ્રિમનો કેન્દ્રને સવાલ... વર્માને રાતોરાત કેમ હટાવ્યા?

સીબીઆઇ વિવાદ : આલોક વર્માને હટાવતા પૂર્વે પસંદગી સમિતિ પાસેથી સલાહ લેવામાં શું વાંધો હતો?: સીબીઆઇના બે વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે લડાઇ કાંઇ રાતોરાત શરૂ નથી થઇ : કોર્ટ આકરાપાણીએ

નવી દિલ્હી તા. ૬ : કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ)ના બે સૌથી સિનિયર અધિકારીઓ આલોક વર્મા અને રાકેશ અસ્થાનાની વચ્ચે ચાલી રહેલા જંગને લઈને સુપ્રીમ કોર્ટમાં ગુરૂવારે પણ સુનાવણી થઈ. મામલાની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે આ મામલામાં સરકાર નિષ્પક્ષ કેમ નથી? સુપ્રીમે સરકારને સવાલ કર્યો કે વર્માને હટાવતાં પહેલાં સિલેકશન કમિટી સાથે સલાહ લેવામાં શું ખોટું હતું? તેમને રાતોરાત કેમ હટાવી દીધા હતા?

આલોક વર્મા તરફથી સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું કે સીબીઆઈમાં એક નિદેશક હોવા છતાંય કાર્યકારી નિદેશક ન હોઈ શકે. જેમ એક મુખ્ય ન્યાયાધીશ હોય છતાંય બીજા કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિયુકિત ન થઈ શકે, તેવી જ રીતે સીબીઆઈમાં આવો કોઈ નિયમ નથી.

આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) રંજન ગોગોઈની બેન્ચ કરી રહી છે. સુનાવણી દરમિયાન સીજેઆઈએ કહ્યું કે, સીબીઆઈના બે સિનિયર અધિકારીઓની વચ્ચેની લડાઈ એક રાતમાં શરૂ નથી થઈ. એવામાં સરકારે પસંદગી સમિતિ સાથે પરામર્શ કર્યા વગર કેવી રીતે સીબીઆઈના નિદેશક આલોક વર્માને તેમની શકિતઓથી વંચિત કરી દીધા?

સીજેઆઈ ગોગોઈએ સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું કે, સરકારે ૨૩ ઓકટોબરે સીબીઆઈના નિર્દેશક આલોક વર્માની તમામ સત્તાઓ છીનવી લેવાનો રાતોરાત નિર્ણય લેવા માટે કોણે પ્રેરિત કર્યા? જયારે વર્મા થોડાક મહિનાઓ બાદ નિવૃત્ત થઈ રહ્યા હતા, તો સરકારે થોડાક મહિના વધુ રાહ કેમ ન જોઈ? પસંદગી સમિતિ સાથે પરામર્શ કેમ ન કરવામાં આવ્યું? ઉલ્લેખનીય છે કે, આલોક વર્માના બે વર્ષનો કાર્યકાળ ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આ મુદ્દાના જવાબમાં CJI રંજન ગોગોઈએ SGને કહ્યું કે CBI ડાયરેકટરના અધિકાર પરત લેતાં પહેલાં સિલેકશન કમિટીની સલાહ લેવામાં શું મુશ્કેલ હતી? જેના જવાબમાં SGએકહ્યું કે આ ટ્રાન્સફરનો મામલો નહતો. ત્યારે CJI કહ્યું કે તેમ છતાં સિલેકશન કમિટીની સલાહ લેવામાં શું કઠણાઈ હતી?

SG તુષાર મહેતાએ કહ્યું કે ડાયરેકટર અખિલ ભારતીય સેવાનો સભ્ય હોય છે. જેના પર CJIએ કહ્યું હા કેમ નહીં. તુષાર મહેતાએ કહ્યું કે માનો કે કોઈ અધિકારી લાંચ લેતા કેમેરામાં પકડાય ગયો અને તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવાના છે ત્યારે આવી સ્થિતિમાં તેનો અધિકાર કેન્દ્ર સરકારની પાસે છે.

આ પહેલાં બુધવારે કેન્દ્ર તરફથી કોર્ટમાં કહેવાયું કે CBIના બે ઉચ્ચ સ્તરના અધિકારીઓ વચ્ચે લડાઈ સાર્વજનિક હોવાથી દેશની પ્રમુખ તપાસ એજન્સીની છબી ખરાબ થઈ રહી હતી. આ કારણે કેન્દ્રને CBIની શાખ બચાવવા માટે દરમિયાગીરી કરવી પડી.

CBI ડાયરેકટર આલોક વર્માએ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર દ્વારા રજા પર મોકલવાના નિર્ણયને પડકાર્યો છે. કોર્ટમાં આલોક વર્માની દલીલ છે કે તેને હટાવતાં પહેલાં નિયમનું પાલન કરવામાં આવ્યું ન હતું, કેમકે CBIના ડાયરેકટરને હટાવવાનો નિર્ણય એક કમિટી કરે છે. પરંતુ તેમના આ રીતે કોઈ પણ કમિટીની સલાહ લેવામાં આવી ન હતી.(૨૧.૨૬)

(3:45 pm IST)