Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

આતંક કરતા પણ વધુ ખતરનાક છે માર્ગો પરના ખાડા

૨૦૧૩ - ૨૦૧૭ દરમિયાન રસ્તાઓ પરના ખાડાને કારણે ૧૪૯૨૬ લોકોના મોત : સુપ્રિમ કોર્ટે દર્શાવી ચિંતાઃ અધિકારીઓ રસ્તા પર કોઇ દેખરેખ રાખતા નથી : કોર્ટે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો

નવી દિલ્હી તા. ૬ : દેશમાંં રસ્તાના ખાડા ત્રાસવાદથી પણ વધુ ખતરનાક જોવા મળી રહ્યા છે. આજે આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ચિંતા વ્યકત કરી વર્ષ ૨૦૧૩-૨૦૧૭ વચ્ચે માર્ગો પર ખાડાના કારણે ૧૪,૯૨૬ લોકોના મોત થયા છે. સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં માર્ગો પર થયેલા ખાડાના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા સરહદ પર અથવા ત્રાસવાદી દ્વારા થયેલા મૃત્યુનો આંકડો વધુ છે. પીઠે કહ્યું કે, ૨૦૧૩થી ૨૦૧૭ વચ્ચે માર્ગો પર ખાડાના કારણે થયેલા મોતનો આંકડો દેખાડે છે કે અધિકારી માર્ગોની દેખરેખ કરી રહ્યા નથી.

કોર્ટે શીર્ષ અદાલતના પૂર્વ ન્યાયાધીશ કે.એસ.રાધાકૃષ્ણનની અધ્યક્ષતાવાળી ઉચ્ચતમ કોર્ટની સડક સુરક્ષા સમિતિ દ્વારા રજુ કરેલા રીપોર્ટ પર કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો છે. પીઠે કહ્યું કે, આ મામલા પર વધુ સુનાવણી જાન્યુઆરીમાં થશે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જાહેર થયેલા આંકડા મુજબ વર્ષ ૨૦૧૭માં આ ખાડાએ ૩૫૯૭ લોકોના જીવ લીધા. એટલે કે દરરોજ ૧૦ લોકોના મોત આ ખાડાના કારણે થયા છે. આમ જોઇએ તો સામાન્ય દિવસોમાં લોકોને આ ખાડા જોવા મળે છે અને તેનાથી બચીને પણ નીકળી જાય છે, પરંતુ વરસાદના દિવસોમાં તેનાથી બચવું સહેલું નથી. માર્ગો પર પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે આ ખાડામાં પાણી ભરાય જાય છે જેના કારણે માર્ગોના ખાડા અનેક વાર જોવા મળતા નથી. જો વર્ષ ૨૦૧૬ના આંકડા જોઇએ તો ૨૦૧૭માં આ આંકડા ૫૦ ટકા સુધી વધી ગયા છે. જો દેશભરમાં આ ખાડાથી થતી મોતની સરખામણી આતંકી ઘટના સાથે કરે તો આતંકી ઘટનામાં કુલ ૮૦૩ લોકોના જીવ ગયા છે. તેમાં આતંકવાદી, સુરક્ષા કર્મી અને સામાન્ય નાગરિક ત્રણેય સામેલ છે. મહારાષ્ટ્રમાં વર્ષ ૨૦૧૭માં ૭૨૬ લોકોના ખાડાને કારણે મોત થયા છે. મહારાષ્ટ્રનો આંકડો પણ ૨૦૧૬ની સરખામણીએ ૨૦૧૭માં બે ગણો થયો છે.

આ ઘટનાઓ પાછળ એક નહિ પરંંતુ અનેક કારણો છે. લોકો વાહન વ્યવહારના નિયમોનું યોગ્ય રીતે પાલન કરતા નથી અને હેલ્મેટ વગર વાહન ચલાવવું એ મોટું કારણ છે પરંતુ આ મોતનું સૌથી મોટું કારણ નગરપાલિકા નિગમ અને માર્ગ સ્વામિત્વ એજન્સીઓમાં ભ્રષ્ટાચાર પણ રહેલા છે.

અનેક રીપોર્ટમાં સામે આવ્યું છે કે, માર્ગ અકસ્માતોના કારણે મોતનું સૌથી મોટું કારણ માર્ગની ખોટી ડિઝાઇન, ખરાબ રખ-રખાવ અને માર્ગ સાથે જોડાયેલી સમસ્યાઓને અનદેખી કરવાનું પણ છે.(૨૧.૨૫)

(3:43 pm IST)