Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

એક મેગેઝિને નિક જોનસ સાથેના લગ્નને જણાવ્યું 'પ્રિયંકા ચોપડાનું કૌભાંડ'

આ મેગેઝીનમાં પ્રકાશિત આર્ટિકલમાં પ્રિયંકા ચોપડાને 'ગ્લોબલ સ્કેમ આર્ટિસ્ટ' કહેવાઇ છે : 'ધ કટ' મેગેઝિનના આ આર્ટિકલને સોનમ કપૂરે અત્યંત નિમ્નસ્તરનો, જાતિવાદી અને મહિલા વિરોધી જણાવ્યો છે

નવી દિલ્હી તા. ૬ : બોલિવૂડથી માંડીને હિલોવૂડ સુધી પોતાની કાબેલિયતના બ્યૂગલ ફૂંકનારી પ્રિયંકા ચોપડાએ તાજેતરમાં જ અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા છે. લગ્નની આ વિધીના ફોટા પણ યુગલે તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. જોકે, ૨ ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાયેલી આ જોડીના સંબંધો ઉપર ન્યૂયોર્કની એક મેગેઝિને કંઈક એવું લખી નાખ્યું છે કે, તેના કારણે ભારતીય બોલિવૂડ કલાકારો ગુસ્સે ભરાયા છે.

'ધ કલ્ટ' નામના એક ઈન્ટરનેશનલ મેગેઝિને બુધવારે પ્રિયંકા અને નિક જોનસ પર એક આર્ટિકલ પ્રકાશિત કર્યો છે. જેનું ટાઈટલ છે, 'શું પ્રિયંકા ચોપડા અને જિન જોનસનો પ્રેમ સાચો છે?'  આ આર્ટિકલમાં પ્રિયંકા ચોપડા સાથે નિક જોનસના લગ્નને એક 'છેતરપિંડી' જણાવી છે અને તેને નિક સાથે પરાણે કરાયેલા લગ્ન જણાવાયા છે.

આ આર્ટિકલ મારિયા સ્મિથ નામની એક લેખિકાએ લખ્યો છે. તેમણે સમગ્ર આર્ટિકલમાં એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે, કેવી રીતે પ્રિયંકા અને નિકનો સંબંધ, પ્રિયંકા અને તેની ટીમ દ્વારા પ્લાન કરાયો છે. આ આર્ટિકલમાં મારિયાએ લખ્યું છે કે, 'નિકોલસ જોનસ પોતાની મરજીની વિરુદ્ઘ આ છેતરપીંડીવાળા સંબંધમાં ગયા શનિવારે બંધાઈ ગયો છે અને હું આપને જણાવું છું કે આ અંગે હું શું વિચારું છું.'

ત્યાર બાદ સંપૂર્ણ આર્ટિકલમાં મારિયાએ એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે, કેવી રીતે ૨૪ વર્ષના કુવારા નિક માટે આ ઉંમરમાં લગ્ન કરવા જરૂરી ન હતા, જયારે ૩૪ વર્ષની પ્રિયંકા માટે આ સંપૂર્ણ પણે યોગ્ય સમય હતો. (પ્રિયંકા અને નિકની આ ઉંમર ૨૦૧૬ પ્રમાણેની છે)

આ આર્ટિકલના એક ભાગમાં જણાવાયું છે કે, કેવી રીતે પ્રિયંકા માટે મોંઘી ચીજવસ્તુઓ અને પૈસા અનિવાર્ય છે. આર્ટિકલના અંતમાં લખાયું છે કે, 'હંમેશા, લગ્ન એટલા સુંદર હોય છે કે તેનાથી હૃદયને ટાઢક મળતી હોય છે, શરીરમાં એક ઊર્જાનો સંચાર થતો હોય છે. દુખ એ વાતનું છે કે આ લગ્નમાં આવી કોઈ લાગણી કે ઉમળકો જોવા મળ્યો નથી.'

આર્ટિકલમાં વધુમાં લખ્યું છે કે, નિક માત્ર એટલું ઈચ્છતો હતો કે તે હોલિવૂડની આ નવી મહિલા સાથે કેટલાક દિવસો, કેટલોક સમય પસાર કરે. પરંતુ તેના બદલે આ ગ્લોબલ સ્કેમ (કૌભાંડ) આર્ટિસ્ટ સાથે તેને જન્મટીપની સજા મળી છે. તેનાથી પણ વધુ દુખદ એ છે કે આ સ્કેમ આર્ટિસ્ટ (પ્રિયંકા ચોપડા)એ ઘોડાની પીઠ પર બેસાડીને લગ્ન કરી લીધા અને તેને પુછ્યું પણ નહીં કે આ ઘોડા પર તે કમ્ફર્ટેબલ છે કે નહીં. આર્ટિકલના અંતમાં લખાયું છે કે, 'નિક, જો તું આ આર્ટિકલ વાંચી રહ્યો હોય તો જેટલું વહેલું બની શકે એટલું એ જ ઘોડા ઉપર બેસીને ત્યાંથી ગાયબ થઈ જા.' આર્ટિકલના આવા લખાણથી ભારતના બોલિવૂડ કલાકારોમાં રોષની લાગણી ફેલાઈ છે અને તેમણે પણ તમાચો મારતો જવાબ આપ્યો છે.

આ આર્ટિકલ અંગે સોનમ કપૂરે લખ્યું છે કે, પ્રિયંકા અંગેનો આ આર્ટિકલ અત્યંત નિમ્નકક્ષાનો, જાતિવાદી અને મહિલા વિરોધી છે. સોનમે લખ્યું છે કે, 'સૌથી દુખની વાત તો એ છે કે આવો આર્ટિકલ એક મહિલાએ લખ્યો છે. શરમ આવે છે... તારા ઉપર...' માત્ર સોનમે જ નહીં પરંતુ દેશ-દુનિયાના અનેક લોકોએ 'ધ કલ્ટ' મેગેઝિનની ટીકા કરી છે અને પોતાના અભિપ્રાય આપ્યા છે.  ઉલ્લેખનીય છે કે, મેગેઝિનમાં મહિલાઓ સાથે સંકળાયેલા મુદ્દાઓ ઉપર લખવામાં આવે છે. આ આર્ટિકલ માટે મારિયા સ્મિથ નામની લેખિકાની ઘણી ટીકા થઈ રહી છે.(૨૧.૬)

(12:09 pm IST)
  • સુરત: ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દારૂની રેડનો કેસ :સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ઉધના પીઆઇ એમપી પરમારને સસ્પેન્ડ કર્યા:સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી 2 લાખ 24 હજારનો દારૂ જપ્ત કર્યો હતો access_time 12:04 am IST

  • ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી અતુલ કરવાલની બઢતી :સીઆરપીએફમા આઈજી તરીકે ફરજ બજાવી રહેલા કરવાલ ન એડિશનલ ડિજી તરીકે અપાઈ બઢતી : હાલ CRPF મા આઈજી તરીકે ડેપ્યુટશન પર છે અતુલ કરવાલ. access_time 9:52 pm IST

  • રાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST