Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

હવે સોલાર કુકિંગ સિસ્ટમ આપશે હપ્તાથી

રાંધણ ગેસ કનેકશન અને વિનામુલ્યે વિજળી કનેકશન આપ્યા બાદ કેન્દ્ર સરકારઃ ચૂંટણી પહેલા જાહેરાત સંભવઃ સરકાર આપશે ૩૦ ટકા જેટલી સબસીડી

નવી દિલ્હી તા. ૬ :.. રસોઇ ગેસ કનેકશન અને મફત વીજ કનેકશન આપ્યા પછી કેન્દ્ર સરકાર હવે હપ્તા ઉપર પ૦ હજાર રૂપિયાની કિંમ્તની સોલર પીવી કુકીંગ સીસ્ટમ આપવાની તૈયારીમાં છે. લોકસભા ચૂંટણી પહેલા સરકાર બધાને સરળ હપ્તે સોલર કુકીંગ સીસ્ટમ આપવાની જાહેરાત કરી શકે છે. આ સોલર કુકીંગ સીસ્ટમ પર કેન્દ્ર સરકાર ૩૦ ટકા સબસીડી પણ આપશે. એમ. એન. આર. ઇ. મંત્રાલયે સોલર કુકીંગ સીસ્ટમ યોજનાને આખરી ઓપ આપી દીધો  છે. એમએનઆરઇ મંત્રાલય સોલર કુકીંગ સીસ્ટમ સબસીડી આપી શકે છે. એમએનઆરઇ મંત્રાલયે જણાવ્યું કે સોલર પીવી કુકીંગ સીસ્ટમની બેટરીને પાંચ વર્ષ પછી બદલવાની જરૂર પડી શકે છે.

એલપીજીથી ઓછા ખર્ચે  પકાવી શકાશે ભોજન

એમએનઆરઇ મંત્રાલયે જણાવ્યું કે સોલર પીવી કુકીંગ સીસ્ટમથી એલપીજી થી ઓછા ખર્ચે ભોજન પકાવી શકાશે. ગ્રાહકો સોલર પીવી કુકીંગ સીસ્ટમ પર સબસીડી પછીની રકમની ચુકવણી સરળ હપ્તે કરી શકશે. મંત્રાલયના એક ઉચ્ચ અધિકારી અનુસાર આ હપ્તાઓની ચુકવણી એલપીજી સબસીડીના દ્વારા પણ કરી શકાશે. ગ્રાહકે પોતાની એલપીજી સબસીડી છોડવી પડશે. (પ-૧૧)

કેવી રીતે કામ કરે છે

- સોલર પીવી કુકીંગ સીસ્ટમ પર બધી જાતના વ્યંજન બનાવી શકાય છે.

 - તે વિજળીના ઇંડકશન કુકરની જેમ જ કામ કરશે.

- સોલર પેનલથી વિજળી સતત ચાર્જ કંટ્રોલરમાં આવશે.

- ચાર્જ કંટ્રોલર સાથે બેટરી જોડાયેલી હશે. જે સૂર્ય પ્રકાશ નહીં હોય ત્યારે પણ કુકરને વિજળી ઉપલબ્ધ કરાવશે.

 - ચાર્જ કંટ્રોલર સાથે રેઝોનન્ટ કન્વર્ટર હશે. જે ડીસીને એસીમાં બદલીને કુકરને સપ્લાય આપશે.

- ચાર - પાંચ સભ્યોના પરીવાર માટે ભોજન બનાવી શકાશે.

(12:05 pm IST)