Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

પેપરલીકનો માસ્ટર માઇન્ડ યશપાલ મધરાતે ઝડપાયો

બે દિવસથી તે ભુખ્યો હતો, પેપરલીક થયાનો ભાંડો ફુટી જવાની જાણ થતાં મહિસાગર પહોંચેલઃ પેપરલીક પાછળ મોટામાથાઓનો હાથ હોવાનો યશપાલે સસરા સમક્ષ રહસ્યસ્ફોટ કર્યોઃ અર્ધનિંદ્રા હાલતમાં તેના જ મિત્રની માહિતી પરથી મહિસાગરના વિરપુર ગામના લીંબડીયા રોડ ઉપરથી પોલીસે ઝડપી લીધોઃ ક્રાઇમ બ્રાંચ, એટીએસ અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી ભારે ધમધમાટ

રાજકોટ તા.૬:  પોલીસની લોકરક્ષક દળની ભરતી પરીક્ષાનું પેપરલીક થયા બાદ સરકારની આબરૂના લીરા ઉડાડતી આ ઘટનામાં પોલીસે એક મહિલા, ભાજપના બે કાર્યકરો અને એક પી.એસ.આઇ.ની ધરપકડ કર્યા બાદ પેપર લીક પ્રકરણના માસ્ટર માઇન્ડ ગણાતા યશપાલ સોલંકીને આજે વ્હેલી સવારે મહિસાગર પોલીસે અર્ધનિંદ્રા જેવી હાલતમાં વિરપુર ગામે લીંબડીયા રોડ ઉપરથી ઝડપી લઇ ક્રાઇમબ્રાંચ અને એટીએસના હવાલે કરી દીધો છે.

ઉચ્ચ પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ પેપરલીકની ૅઘટનામાં યશપાલ પણ સુરત ખાતે પરીક્ષા આપતો હોવાથી તેને પેપર રદ્દ થયાની જાણ થતાં જ પોતે હવે સકંજામાં આવી જશે તેવું વિચારી ખૂબ ગભરાઇ જઇ સુરતથી વડોદરા પહોંચ્યા બાદ મહિસાગર જિલ્લા તરફ નિકળી વિરપુર પહોંચ્યો હતો.

તેની પાસેના રૂપિયા પણ ખૂટી ગયા હતા. બે દિવસથી તે ભુખ્યો હતો. આમ તેમ ભટકતો હતો. દરમિયાન તેનાં એક મિત્રની નજર તેના પર પડી જતાં તેણે મહિસાગર પોલીસને જાણ કરતાં પોલીસ ટીમે તેને તાકીદે ઝડપી લીધો હતો.

યશપાલ સોલંકી અને યશપાલ ઠાકોર એવી ભળતી વ્યકિતઓના કારણે વડોદરામાં જે રીતે ઓળખ કરવામાં ભુલ થઇ હતી તેવી ભુલ ન થાય તે માટે યશપાલની ઓળખ કરાવવા માટે પોલીસે તેના સસરાને પોલીસ મથકે બોલાવ્યા હતાં. આ જ યશપાલ હોવાની ખરાઇ કરી હતી. ત્યારબાદ ગાંધીનગર સેકટર-૭ પોલીસ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, એ.ટી.એસ. અને ડી. જી. પી.ના ફોન સતત રણકવા લાગ્યા હતાં.

બિનસત્તાવાર રીતે એક એવી હકિકત જાણવા મળે છે કે બે મીનીટ માટે પોતાના જમાઇ યશપાલ સોલંકીને મળેલા સસરાએ એવો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તેમના જમાઇ ખૂબ ગભરાયેલા હતા અને ડરતા - ડરતા તેના જમાઇએ એવું પણ જણાવેલ કે આ સમગ્ર પ્રકરણમાં મોટા માથાઓની સંડોવણી છે.

પેપરલીક કર્યા બાદ યશપાલ દિલ્હીથી આન્સર કી લઇ પ્લેનમાં વડોદરા ગયો હતો અને વડોદરાથી તે બાય રોડ સુરત ગયો હતો. અને સુરતમાં પેપર ફુટવાની ઘટનાની જાણ થઇ જતાં તે ખૂબ ગભરાઇ ગયો હતો અને નાસી છૂટયો હતો.

અત્રે યાદ રહે કે યશપાલ સોલંકી વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશનમાં ફરજ બજાવી રહ્યો હોવાનું ખુલતા વડોદરાના પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતે ક્રાઇમબ્રાંચની વિવિધ ટીમો બનાવી તેના નિવાસ સ્થાન અંગે તપાસ કરાવી હતી. અનુપમસિંહ ગેહલોતની તપાસમાં જ સર્વપ્રથમ યશપાલ મહિસાગર જિલ્લામાં ભાગી છુટયો હોવાની વિગતો શોધી કાઢી હતી.

યશપાલની ધરપકડ બાદ હવે બધાને દિલ્હી લઇ જનાર તમામના ફોન બંધ કરાવનાર નિલેશનું રહસ્ય ખુલવા સાથે 'ટાટ'ની પરીક્ષામાં ગરબડ કરનાર અને લોકરક્ષક પેપર ફોડનાર આંતરરાજય ગેંગ એક છે કે કેમ? આંતરરાજય ગેંગે કોની પાસેથી પેપર મેળવેલ તેવા અનેક સવાલોના જવાબ પોલીસને મળે તેવી લોકો આશા સેવી રહયાં છે.(૧.૩)

(9:59 am IST)
  • મહેસાણા : ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં જુનીયર આસિસ્ટન્ટની ભરતીનો મુદ્દો :ભરતીમાં ગેરરીતિ હોવાની ફરિયાદ બાદ કલાર્કને સસ્પેન્ડ કરાયો :ઉમેદવારોએ જવાબદારો સામે પગલા ભરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો access_time 3:21 pm IST

  • વડોદરા :સ્કૂલ કમ્પાઉન્ડમાં સ્કૂલવાનમાં આગ :સ્કૂલવાનમાંથી વિદ્યાર્થીઓને ઉતારી લેવાયા :સદનસીબે કોઈ અનિચ્છનીય ઘટના ન બની :પાદરા ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવ્યો :પાદરાની ડી.ડી. પટેલ શારદા હાઈસ્કૂલની ઘટના access_time 3:30 pm IST

  • રાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST