Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

અથડામણમાં સાત નક્સલી ઠાર : વિસ્ફોટક જપ્ત કરાયા

ઠાર થયેલાઓમાં પાંચ મહિલા નક્સલી સામેલ : બાતમી આધારે પોલીસ અને સીઆરપીએફનુ ઓપરેશન

રાયપુર, તા.૭ : છત્તીસગઢની સરહદ સાથે જોડાયેલા મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં સાત નક્સલવાદીઓ ફૂંકાઈ ગયા છે. ફૂંકાઇ ગયેલા નક્સલવાદીઓની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ અભિયાન માટે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે સુરક્ષા જવાનોની પ્રશંસા કરી છે. ગઢચિરોલીના એસપી અભિનવ દેશમુખે કહ્યું છે કે, પોલીસને સૂચના મળી હતી. ઝીંકાનુર પોલીસ ચોકી વિસ્તારમાં કલ્લેડ વન્ય વિસ્તારમાં નક્સલવાદીઓની મોટી છાવણી આવેલી છે. આ બાબતને ધ્યાનમાં લઇને મોટુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ અને સીઆરપીએફ દ્વારા મોટુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ ઉપર નિકળેલી પોલીસ ટીમ ઉપર નક્સલવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહી કરવામાં આવતા સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે સામ સામે અથડામણ થઇ હતી. આ કાર્યવાહીમાં સાત નક્સલવાદીઓ માર્યા ગયા હતા. એસપીએ કહ્યું છે કે, નક્સલવાદીઓના મૃતદેહ કબજે કરી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી અનેક ઘાતક હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા નક્સલવાદીઓની ઓળખ કરી લેવામાં આવી છે. માર્યા ગયેલાઓમાં કેટલાક નક્સલવાદીઓ ઉપર જંગી ઇનામ પણ રાખવામાં આવ્યું હતું. કેન્દ્રીયમંત્રી રાજનાથસિંહે રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસને ફોન કરીને નક્સલવાદ વિરોધી આ અભિયાન માટે અભિનંદન આપ્યા છે. મુખ્યમંત્રી ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે નક્સલવાદ વિરોધી ગુપ્તચર માહિતીના આધારે હાથ ધરાયેલા અભિયાનની પ્રશંસા કરી છે.

 

(7:40 pm IST)