Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017


લવજેહાદઃ યુવકને ફટકારી જીવતો સળગાવ્યો

હચમચાવતી ઘટનાઃ વિડિયો વાયરલ

રાજસમેદ તા. ૭ : રાજસ્થાનના રાજસમંદમાં કથિત લવ જેહાદના નામ પર એક યુવકની હત્યા કરી તેના મૃતદેહને સળગાવાના કેસે આગ પકડી લીધી છે. પ્રદેશના ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયાએ કહ્યું છે કે આ કેસની તપાસ હવે એસઆઇટી કરશે. ત્યાં પોલીસે આરોપી શંભુલાલની ધરપકડ કરી લીધી છે. તણાવને જોતા રાજસમંદમાં ઇન્ટરનેટ બંધ કરી દેવાયું છે.

રાજસમંદમાં એક હોટલની પાસે એક વાયરલ વીડિયોમાં ૪૫ વર્ષના શંભુનાથ એક યુવકની હત્યા કરીને તેના મૃતદહેને સળગાવતા દેખાય છે. વીડિયો કિલપમાં શંભુલાલ ધમકી આપતા કહે છે કે જો લવ જેહાદ ખત્મ નહીં થાય તો દરેક ભારતીયને આ પ્રકારની ભયાનક સ્થિતિનો સામનો કરવો પડશે.

કટારિયાએ કહ્યું કે આ ઘટના હચમચાવતી છે. ભલા કોઇ કેવી રીતે કોઇની હત્યા કરીને તેનો વીડિયો બનાવી શકે છે? આરોપીની ધરપકડ કરી લેવાઇ છે અને તેની તપાસ એસઆઇટી કરશે.

બીજીબાજુ રાજસ્થાન કોંગ્રેસની પ્રવકતા અર્ચના શર્માએ આ ઘટના માટે વસુંધરા સરકારની ટીકા કરી છે. મીડિયા સાથે વાતચીતમાં કોંગ્રેસ નેતા કહે છે કે સરકારની બેદરકારીથી જ આવી દર્દનાક ઘટનાને કેટલાક લોકો અંજામ આપે છે. આ ખૂબ જ દુખદ ઘટના છે. સરકારને ઝડપથી આ કેસની તપાસ કરવી જોઇએ.

રાજસ્થાન પોલીસે પણ આ વાતની પુષ્ટિ કરી છે કે જે વ્યકિતની હત્યા કરાઈ તેના મૃતદેહનો સળગાવતા વીડિયોમાં દેખાય છે. રાજસમંદ અને આસપાસના વિસ્તારમાં સુરક્ષાબળ તૈનાત કરી દીધું છે.આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે આરોપી એક મજૂરની કુહાડીથી કાપીને હત્યા કરી દે છે અને પછી મૃતદેહને સળગાવી દે છે. આગ લગાવ્યા બાદ ધમકી આપતા કહે છે કે જો લવ જેહાદ ખત્મ નહીં થાય તો દરેક ભારતીયને આ પ્રકારની ભયાનક સ્થિતિનો સામનો કરવો પડશે.આ વીડિયોમાં એક સ્કૂટી અને બાઇક પણ દેખાય છે. જે રીતે વીડિયો શૂટ કરાયો છે તેનાથી સ્પષ્ટ દેખાય છે કે કોઇ ત્રીજી વ્યકિત પણ ત્યાં હાજર હતી.

(4:24 pm IST)