Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

બીટકોઇનમાં તેજીનું વાવાઝોડુઃ ૧ દિ'માં વધ્યા ૧,૨૯,૦૦૦

ડિજીટલ કરન્સીના ભાવ દિવસે - દિવસે વધી રહ્યા છેઃ ૨૪ કલાકમાં ભાવ થયો ૧૪૦૦૦ ડોલર : રિઝર્વ બેંકે જો કે રોકાણકારોને ચેતવ્યા છે છતાં વિશ્વસ્તરે તેજી

નવી દિલ્હી તા. ૭ : ભારતીય રિઝર્વ બેંકે ભલે ભારતમાં બિટકોઇન અંગે રોકાણકારોને ચેતવણી આપી હોય પરંતુ તેની કિંમત સમયાંતરે ખૂબ જ વધી રહી છે. ગઇકાલે ૧૨૦૦૦ અમેરિકી ડોલર પર કારોબાર કરી રહેલા બિટકોઇનની કિંમત અંદાજે ૨૪ કલાકની અંદર ૧૪ હજાર ડોલરના સ્તરે પહોંચી છે. એમ પણ કહી શકાય કે અંદાજે એક જ દિવસમાં રોકાણકારોએ આ ડિજીટલ કરન્સીથી અંદાજે ૧,૨૯,૦૮૪ રૂપિયાની કમાણી કરી લીધી. આ વર્ષની શરૂઆતથી જ બિટકોઇનની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. જોકે ગઇકાલે ભારતીય રીઝર્વ બેંકે ચેતવણી આપી હતી કે તેમાં લેણદેણ અથવા રોકાણ કરવાનું જોખમ રોકાણકારોએ જ ઉઠાવી પડશે. કેન્દ્રીય બેંકે કહ્યું કે, તેઓ તેમાં કોઇપણ ભ્રષ્ટાચાર માટે જવાબદાર રહેશે નહિ.

આ વર્ષની શરૂઆતમાં ૧૦૦૦ ડોલરના સ્તર પર કારોબાર કરી રહેલા બિટકોઇને ગયા સપ્તાહે જ ૧૦ હજારના ડોલરના લેવલને પાર કરી લીધો હતો. દિગ્ગજ અર્થશાસ્ત્રીઓ અને બિઝનેસ લીડર્સ તરફથી બિટકોઇન અંગે ચેતવણી બહાર પડયા બાદ પણ રોકાણકારોનો ઉત્સાહ યથાવત છે છેલ્લા ૨૪ કલાકમાં જ તેઓએ ૧૨ હજારના સ્તર અને પછી ૧૩ હજારના સ્તર પર અને ત્યારબાદ ૧૪ હજારના ડોલરને પાર કરી લીધો છે.

હોંગકોંગમાં શરૂઆતી કારોબારમાં તેની કિંમત ૧૪ હજાર ડોલર સુધી પહોંચી ગઇ છે. આ ક્રિપ્ટો કરન્સીમાં આ વર્ષે મોટા ઉતાર-ચડાવ જોવા મળ્યો છે. ગયા સપ્તાહે જ ૧૧ હજાર ડોલરના આંકડા સુધી ધડામ થયા બાદ તેમાં અચાનક વધારો થયો છે અને તેમાં ૩ હજાર ડોલર સુધીનો વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરમાં જ અમેરિકાની સૌથી મોટી ઇન્વેસ્ટમેન્ટ બેંક જે પી મોર્ગનના સીઇઓ જેમી ડિમોને કહ્યું હતું કે, બિટકોન ફ્રોડ કરન્સી છે. આ ડ્રગ ડિલર્સ અને ભ્રષ્ટાચાર કરતા લોકોની કરન્સી છે.

(3:42 pm IST)