Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

નોટબંધી-જીએસટીથી બરબાદી મોદીએ લોકો અને વેપારીઓને છેતર્યા

નોટબંધી સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો સંસદ અને લોકો સમક્ષ લાવવા જોઇએઃ નોટબંધી છતાંય ભ્રષ્ટાચાર હજુ ખદબદે છેઃ નર્મદા મુદ્દે મોદીએ કદી મુલાકાત નહોતી લીધીઃ આર્થિક ગ્રોથ ૧૦.૬ ટકા હોવો જોઇએ : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ રાજકોટમાં: પત્રકાર પરિષદને સંબોધનઃ પીએમ મોદી ઉપર પ્રહારો

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે આજે રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધન કર્યુ હતું તે સમયની તસ્વીર. તસ્વીરમાં તેમની બાજુમાં પ્રભારી અશોક ગેહલોત અને રાજકોટ-૬૯ના ઉમેદવાર ઇન્દ્રનિલ રાજ્યગુરૂ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૭ : દેશના પખર અર્થશાસ્ત્રી અને યુ.પી.એ. સરકારમાં વડાપ્રધાન રહી ચૂકેલા મનમોહનસિંઘ આજે રાજકોટના મહેમાન બન્યા છે. રાજકોટ શહેરમાં આવ્યા બાદ મહાત્મા ગાંધીજી બાલ્યાવસ્થાથી તરૂણાવસ્થા સુધી કબા ગાંધીના ડેલામાં પરિવારજનો સાથે રહ્યા હતા. તે જગ્યાએ મુલાકાત લીધી હતી. ત્યારબાદ હોટલ ઈમ્પેરીયલ પેલેસ ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ નોટબંધી દેશમાં લાવવાની જરૂર જ ન હોવાનું જણાવ્યુ હતું. નોટબંધી અને જીએસટીથી દેશ પાછો ધકેલાઈ ગયાનું કહ્યું હતું. વિકાસમાં પાછળ અને ગુજરાત મોડલ ઉપર પણ ઘણા સવાલો ઉઠાવ્યા હતા.

રાજકોટમાં ઈમ્પેરીયલ પેલેસ ખાતે યોજાએલ પત્રકાર પરિષદમાં મનમોહનસિંઘે કહ્યું હતું કે ભારતમાં નોટબંધી જેવી ભૂલ લોકોએ સહન કરવી ન જોઈએ. નોટબંધીના લીધે કાળાનાણા સફેદ થઈ ગયા છે. નોટબંધીના લીધે બેરોજગારીમાં વધારો થયો છે. ગરીબોને વ્યાપક નુકશાન થયુ છે. નોટબંધીને લગતા દસ્તાવેજો સરકારે જાહેર કરવા જોઈએ.

પૂર્વ વડાપ્રધાને મોદી ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે નોટબંધી બાદ જીએસટીથી વેપારીઓને નુકશાન થયુ છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન ગુજરાતથી છે અને મોદીજીએ ગુજરાતના વેપારીઓ અને લોકોને છેતર્યા છે. તેમણે કહ્યું હતું કે, મોદી સરકારની વિદેશનીતિ છે તેનાથી દેશની સુરક્ષા ખતરામાં છે. સરકારના કેટલાક નિર્ણયો દેશના હિતમાં નથી.

ડો. મનમોહને કહ્યુ હતુ કે અમારા વખતે જયારે ભ્રષ્ટાચાર ઉપર કોઈ ફરીયાદ આવતી તો અમે તેના પર ત્વરીત પગલા લીધા હતા પરંતુ આ સરકાર એવું કરતી નથી. તેમણે એમ પણ કહ્યુ હતું કે નર્મદા મુદ્દે મોદી મને કદી મળવા આવ્યા નહોતા. અર્થવ્યવસ્થાના મુદ્દે તેમણે કહ્યુ હતું કે, જો મોદી સરકારે યુપીએના ૧૦ વર્ષના કામકાજની સરેરાશ આર્થિક ગ્રોથની બરાબરી કરવી હોય તો પોતાના કાર્યકાળના પાંચમા વર્ષમાં તેણે ઓછામાં ઓછા ૧૦.૬ ટકાનો ગ્રોથ મેળવવો જોઈએ. આવુ થશે તો હું ખુશ થઈશ.

દેશમાં નોટબંધી લાદવાથી ભ્રષ્ટાચાર અને કાળુનાણુ ત્યાનું ત્યાં જ છે. દેશ આગળ વધવાને લીધે પાછળ ધકેલાઈ રહ્યો છે. કોઈ ફાયદો થયો નથી, કાળુ નાણુ લોકોનું સફેદ થઈ ગયુ છે નોટબંધી બાદ ૯૯ ટકા જૂની નોટો બેંકમાં જ પરત આવી ગઈ છે. નોટબંધીથી ભ્રષ્ટાચારમાં ઘટાડો નહિં પણ વધારો થયો છે. જેની અસરથી દેશમાં બેરોજગારીમાં વધારો થયો છે. ગરીબો વધુને વધુ ગરીબ બન્યા છે. નોટબંધીને લગતા તમામ દસ્તાવેજો સરકારે જાહેર કરવા જોઈએ.    મનમોહનસિંઘે જીએસટી મામલે પત્રકારોને જણાવ્યુ હતું કે જીએસટીની અસરથી નાના ઉદ્યોગકારોનો ઉદ્યોગ ખાડે ગયો છે. ભ્રષ્ટાચાર વધ્યો છે.

નોટબંધીનો મોદીનો નિર્ણય સાહસિક છે પણ નિષ્ફળ ગયો છે. જીએસટી ઉપર આકરા પ્રહારો કરતા મનમોહનસિંઘે જણાવ્યુ હતું કે જીએસટીના લીધે વેપારીઓ ભારે મુશ્કેલી સહન કરી રહ્યા છે. મોરબી, જેતપુર, સુરત અને વાપીમાં ઉદ્યોગકારોને ભારે નુકશાન થયુ છે. માનવ વિકાસમાં પણ ગુજરાત પાછળ ધકેલાયુ છે. તેઓએ ગુજરાત મોડલ ઉપર પણ સવાલો ઉઠાવ્યા હતા.

 

(3:26 pm IST)