Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ભાજપ કે જીતુ વાઘાણીને જીતાડવાની મેં કોઇ અપીલ કરી નથીઃ નરેશ પટેલનો ખુલાસો

ભાજપ અને જીતુ વાઘાણીને જીતાડવાની અપીલ કરી હોવાના ટીવી અહેવાલોને નકારી કાઢતા ખોડલધામ મોભી : પાટીદારો મારે મોઢેથી સમર્થનની વાત સાંભળે તો જ સાચી માનેઃ મારે કોઇ જાહેરાત કરવી હોય તો પત્રકાર પરિષદને ન સંબોધુ ?

રાજકોટ તા.૭ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે સૌ પોત-પોતાના મતદારોને પોતાની તરફ ખેંચવા પ્રયાસ કરી રહ્યા છે આ દરમિયાન આજે ભાવનગર ખાતે ખોડલધામ ટ્રસ્ટના મોભી અને લેઉઆ પટેલ અગ્રણી નરેશ પટેલ તથા ભાજપના કેટલાક નેતાઓ વચ્ચે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક બાદ ટીવી ચેનલોમાં એવા અહેવાલો વહેતા થયા હતા ખોડલધામ મોભી નરેશ પટેલે ભાજપ અને જીતુ વાઘાણીને જીતાડવા અપીલ કરી છે. જો કે બાદમાં અકિલાએ નરેશ પટેલનો સંપર્ક સાધતા તેમણે આ બાબતે રદીયો આપ્યો હતો અને જણાવ્યુ હતુ કે મેં કોઇને જીતાડવાની અપીલ કરી નથી કે કોઇને સમર્થન જાહેર કર્યુ નથી.

આ બેઠક બાદ ટીવી ચેનલોએ એવા અહેવાલો આપ્યા હતા કે, નરેશ પટેલ અને જીતુ વાઘાણી વચ્ચે આજે બેઠક યોજાઇ હતી તે પછી કિંગમેકર ગણાતા નરેશ પટેલે ભાજપને સમર્થન જાહેર કરી જીતુ વાઘાણીને જીતાડવા અપીલ કરી હતી. આ ફલેશ થતા જ ગુજરાતના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો પરંતુ સત્યતા તપાસવા અકિલાએ નરેશ પટેલનો સંપર્ક સાધતા તેમણે કહ્યુ હતુ કે મેં આજે ભાવનગરમાં વાઘાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને જેમાં પાટીદાર અગ્રણીઓ પણ સામેલ હતા પરંતુ મેં ભાજપને કે તેમને જીતાડવાની કોઇ અપીલ કરી નથી.

અકિલા સાથેની વાતચીતમાં નરેશ પટેલે વધુમાં કહ્યુ હતુ કે, પ્રજા અને મતદારોએ મારા મુખેથી સમર્થનની વાત સાંભળે તો જ તેને સાચી માનવી એવી હું અપીલ કરૃ છું. મારે જો કોઇને સમર્થન આપવુ હોય તો પાછલી બારીથી ન આપુ, જાહેરમાં આપુ એટલુ જ નહી પત્રકાર પરિષદ પણ યોજુ. તેમણે ટીવી અહેવાલોને નકારી કાઢયા હતા.

અત્રે એ નોંધનીય છે કે થોડા દિવસ પહેલા હાર્દિક પટેલ પણ તેમને મળ્યો હતો. આ બેઠક પછી પણ કેટલીક ચર્ચાઓ જાગી હતી પરંતુ હાર્દિકે જ સ્પષ્ટતા કરી હતી કે નરેશભાઇએ મને ઇમાનદારીથી લડાઇ લડવા જણાવ્યુ હતુ. અત્રે એ નોંધનીય છે કે નરેશ પટેલ લેઉઆ પાટીદાર છે અને તેમનો ઘણો પ્રભાવ છે. ગુજરાતના પાટીદાર મતદારોમાં લગભગ ૬૦ ટકા લેઉઆ પટેલ અને ૪૦ ટકા કડવા પટેલ છે.

(2:44 pm IST)