Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017


ચૂંટણીના બે દિવસ અગાઉથી લાયસન્સવાળી દારૂની દુકાનો બંધ રહેશે

નવી દિલ્હી તા. ૭ : ૯મી ડિસેમ્બરથી રાજયમાં પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાવાની છે જેથી રાજયમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે લાયસન્સવાળી દારૂની દુકાનો મતદાનના ૨ દિવસ પહેલા જ બંધ રાખવાની સૂચના આપી દેવાઈ છે, બીજા તબક્કાના મતદાન પહેલા ૨ દિવસ અગાઉથી જ આ દુકાનો બંધ રાખવામાં આવશે. તેમજ આ દુકાનો મતગણતરીન દિવસે પણ બંધ રહેશે

રાજયના એડિશનલ DGP (લો એન્ડ ઓર્ડર) મોહન ઝાએ જણાવ્યું કે, '૯ ડિસેમ્બરના ૨ દિવસ અગાઉથી જ લાયસન્સવાળી દારૂની દુકાનો બંધ રહેશે, તેમજ બીજા તબક્કાની ચૂંટણી જે ૧૪ ડિસેમ્બરના રોજ યોજાવાની છે તેના ૨ દિવસ અગાઉથી એટલે કે ૧૨ ડિસેમ્બરથી ૧૪ ડિસેમ્બર સાંજના ૫ વાગ્યા સુધી લાયસન્સવાળી દારુની દુકાનો બંધ રાખવામાં આવશે.' પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, 'આ પગલાં ચૂંટણીટાણે રાજયમાં દારૂનો જથ્થો ઠલવાતા રોકવા માટે લેવાયા છે.'

ઝાએ જણાવ્યું કે, 'બીજા તબક્કાની ચૂંટણીના બે દિવસ પહેલા તેમજ ૧૮મી ડિસેમ્બરના રોજ જે દિવસે મતગણતરી યોજાશ તે દિવસે પણ લાયસન્સવાળી દારૂની દુકાનો બંધ રહેશે.' રાજયમાં ૫૨ લાયસન્સ વાળી દારૂની દુકાનો છે તેમજ ૭૦ હજાર જેટલા પરમીટ હોલ્ડર્સ છે.આ પૈકી ૩૭,૦૦૦ લોકો હેલ્થ પરમીટ હોલ્ડર્સ છે જયારે ૧૮,૦૦૦ એકસ-આર્મી ઓફિસર્સ છે.

સિનિયર પોલીસ અધિકારીઓ માહિતી આપી હતી કે, રાજયમાં ગેરકાયદેસર રીતે લવાતો દારુનો જથ્થો અટકાવવા માટે રાજયમાં ૫૫૮ સ્ટેટિક સર્વેલન્સ ટીમો બનાવાઈ છે. તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશની સીમાઓ સહિત રાજયમાં જુદી જુદી જગ્યાઓએ ૯૦ ચેક પોસ્ટ અને ૫૦૦ ચેક નાકા ઉભા કરાયા છે. રાજયમાં ચૂંટણી પહેલા આચારસંહિતા અમલમાં છે જે પગલે રાજયના વિવિધ ભાગોમાંથી ૧૩.૯૨ લાખ રૂ. કિંમતની ઈન્ડિયન મેડ ફોરેન લિકર (IMFL) અને ૨૪.૧૯ લાખ રૂ. કિંમતનું દેશી દારૂ જપ્ત કર્યો છે.

(12:51 pm IST)