Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

હાલ ચાલતા પ્રોજેકટ ઉપર પણ રેરા લાગુ થશે

બોમ્બે હાઇકોર્ટનો ચુકાદોઃ ઘર ખરીદનારાઓને રાહત

મુંબઇ તા.૭ : દેશભરના ઘર ખરીદનારા લોકોને મોટી રાહત આપતા બોમ્બે હાઇકોર્ટે રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એકટ (રેરા)ને વર્તમાન ચાલી રહેલા પ્રોજેકટ ઉપર પણ લાગુ થવાની વાત જણાવી છે સાથોસાથ હાઇકોર્ટે રેરાની બંધારણીય કાયદેસરતાને પણ યથાવત રાખી છે. આ કાયદાને હાલમાં જ સંસદની મંજુરી મળી હતી. આ કાયદો ઘર ખરીદનારા લોકોના અધિકારોની રક્ષા કરે છે અને તેઓની સમસ્યાઓના નિદાનનો માર્ગ સુચવે છે. જો કે હાઇકોર્ટે ફેંસલામાં બિલ્ડર્સને પણ થોડી રાહત આપી છે.

હાઇકોર્ટે બિલ્ડર્સને રેરા હેઠળ પ્રોજેકટની સમય સીમાને લઇને રાહત આપી છે. હવે કેટલાક કેસમાં બિલ્ડર્સને પ્રોજેકટ પુરો કરવા માટે વધુ સમય મળશે. જો કે આ વધારાનો સમય દરેક મામલામાં અલગ-અલગ નક્કી કરવામાં આવ્યો છે. રજીસ્ટ્રેશન દરમિયાન પ્રોજેકટના પ્રમોટર તરફથી આપવામાં આવેલ ડેડલાઇનને એક વર્ષની છુટ મળી શકશે.

રેરાને લઇને બિલ્ડર્સ તરફથી હાઇકોર્ટમાં નોંધાવાયેલી અરજીઓ હેઠળ આ પહેલો ફેંસલો છે. ટોચની અદાલતે રેરા પર બિલ્ડર્સના વાંધાઓ પર સુનાવણીની જવાબદારી હાઇકોર્ટ ઉપર છોડી હતી અને અન્ય હાઇકોર્ટમાં સુનાવણી પર સ્ટે ફરમાવ્યો હતો. બિલ્ડર્સોએ ખાસ કરીને રેરાની કલમ-૩ને લઇને વાંધો ઉઠાવ્યો હતો. જે હેઠળ હાલ ચાલી રહેલા પ્રોજેકટના રજીસ્ટ્રેશનને પણ ફરજીયાત કરવામાં આવેલ કે જેનુ કમ્પ્લીશન સર્ટીફીકેટ ૧લી મે ર૦૧૮થી આવ્યુ હોય. જે બાબતે વાંધો ઉઠાવતા બિલ્ડર્સોએ કહ્યુ હતુ કે, આના કારણે અમને અગાઉના વિલંબમાં પણ નુકસાન થશે. આ સિવાય બિલ્ડર્સોએ પણ કેટલીક જોગવાઇઓને પણ દુર કરવાની માંગણી કરી હતી જેમ કે ખરીદનારને મળેલી રકમના ૭૦ ટકા ભાગને એક અલગ એકાઉન્ટમાં જમા કરવા અને પ્રોજેકટની ડેડલાઇનને એક વર્ષથી વધુ ન વધારવી તેનો સમાવેશ થાય છે. હાઇકોર્ટ તરફથી ગઇકાલે આપવામાં આવેલા ફેંસલા બાદ યુપી, તેલંગાણા, મહારાષ્ટ્ર, હરિયાણા, કર્ણાટક, આંધ્ર અને મધ્યપ્રદેશમાં ઘર ખરીદનારાને રાહત મળશે.

 

(11:42 am IST)