Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ATM ચોર આખું મશીન ઉખાડીને સાથે લઇ ગયાઃ અંદર હતા ૨૨ લાખ

નવી દિલ્હી તા. ૭ : દિલ્હીની બાજુમાં આવેલા હરિયાણાના ગુડગાવમાં ખોફ વગરના બદમાશો એક એટીએમ મશીન ઉખાડીને સાથે લઈ ગયા. તે એટીએમ મશીનમાં ૨૨ લાખ રૂપિયાનું કેશ હતું. પહેલા બદમાશોએ મશીનને તોડવાનો પ્રયત્ન કર્યો પણ તેમ કરવામાં નિષ્ફળ જતા મશીન પોતાની સાથે લઈ ગયા. એટીએમ લૂંટની આ ઘટના ગુડગાવના લક્ષ્મણ વિહાર વિસ્તારની છે. જયાં એકિસસ બેન્કનું એટીએમ લાગેલું હતું. આ એટીએમ પર કોઈ ગાર્ડ નહોતો. બદમાશોએ આ વાતનો ફાયદો ઉઠાવી લીધો અને એટીએમ મશીન ઉખાડીને સાથે લઈ ગયા.

મંગળવારની સાંજે લગભગ પાંચ વાગ્યે પોલીસને બેંક તરફથી ફોન આવ્યો કે તેમનું એક એટીએમ મશીન કેટલાક લોકો ઉખાડીને સાથે લઈ ગયા. બેન્કનું એટીએમ ગાયબ થવાની જાણકારી સફાઈ કર્મચારીએ આપી. પહેલા તો બેન્કને સફાઈ કર્મચારીની વાત પર વિશ્વાસ નહોતો. પરંતુ બાદમાં જયારે તેમના અધિકારીઓ ત્યાં પહોંચ્યા તો સાચેમાં એટીએમ મશીન ગાયબ હતું.

એટીએમ મશીન ઉખાડવું કોઈ સરળ કામ નથી. આ માટે ઓછામાં ઓછા પાંચ બદમાશો સાથે મળીને હથિયારોની મદદથી એટીએમ ઉખાડ્યું હશે અને તેને કોઈ વાહનમાં લઈને ગયા હશે. આ ઘટનાને રાતના સમયે બની હશે. પણ બેન્કને તેની જાણ પણ ન થઈ. આસપાસના લોકોને પણ સમજ ન આવ્યું કે છેવટે મશીન ગાયબ કયાં થયું.

આ બદમાશો ખૂબ જ ચાલાક હતા. તેઓ પોતાની સાથે સ્પ્રે લઈને આવ્યા હતા. અને અંદર પ્રવેશતા જ સીસીટીવી કેમેરા પર સ્પ્રે મારી દીધો હતો. જેથી કેમેરામાં ચહેરો ન દેખાય. પોલીસ એકસપર્ટની મદદથી સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. જેથી કોઈપણ એક બદમાશને ચહેરો દેખાઈ શકે અને પોલીસને તેમની જાણકારી મળી શકે. હાલમાં પોલીસને એટીએમ મશીનથી થોડે દૂર લાગેલા એક સીસીટીવી કેમેરો મળ્યો છે. જેમાં કેટલાક લોકો મૂવમેન્ટ કરી રહ્યા છે. તેમની સાથે એક ટેમ્પો પણ દેખાઈ રહ્યો છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

(11:31 am IST)