Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

સર્વિસ સેકટર માટે પણ હવે કમ્પોઝિટ સ્કીમ આવી શકે

જીએસટીના લેટ પેમેન્ટ પર વ્યાજ નહીં: રિવર્સ ચાર્જ મેકેનિઝમ પણ રદ કરવામાં આવશે

નવી દિલ્હી, તા. ૭ :. ગુડઝ એન્ડ સર્વિસિસ ટેકસ (જીએસટી)ને ખરા અર્થમાં સરળ અને આસાન બનાવવા સરકાર દ્વારા રચાયેલી મુખ્ય કમિટીએ વ્યાપક સ્વરૂપના સુધારાની દરખાસ્ત કરી છે. આ સંબંધી અહેવાલ કમિટીએ મંગળવારે ફાઈનેન્સ સેક્રેટરી હસમુખ અઢિયાને સુપરત કર્યો હોવાનું જાણવા મળે છે. આમાં મુખ્યત્વે સર્વિસિસ માટે પણ કમ્પોઝિશન સ્કીમ લાગુ કરવા અને ઈ-વે બિલની મુદત ૨૦૧૯ સુધી લંબાવવાનું સૂચન છે તેમ જ રિવર્સ ચાર્જ મેકેનિઝમ નાબુદ કરવાની ભલામણ પણ છે.

કમિટીએ રિટર્ન ફોર્મ્સના સરળીકરણ માટે પણ ભલામણ કરી છે તેમ જ કુલ ટર્નઓવરમાંથી મુકિતપાત્ર માલોને દૂર કરવાનું પણ કહ્યું છે. આ ઉપરાંત લેટ પેમેન્ટ પર વ્યાજ લેવું નહીં તથા બિલ્ડીંગ એન્ડ ઓફિસ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ઈનપુટ ક્રેડિટનું સૂચન કર્યુ છે. આ બધા સૂચનો રિવ્યુ કમિટી હાથ ધરશે અને એની ડિસેમ્બર અંત સુધીમાં ભલામણો કાઉન્સિલને કરશે, જેના પર જીએસટી કાઉન્સિલ જાન્યુઆરીમાં મળનારી બેઠકમાં વિચારણા કરશે.

જીએસટી કાઉન્સિલે અગાઉ આ કમિટીની સ્થાપના કરી હતી. જેમાં ઉદ્યોગના પ્રતિનિધિઓ પણ સામેલ છે. એનો હેતુ નવા કરમાળખા હેઠળ કમ્પ્લાયન્સ સરળ બનાવવાનો છે

(9:53 am IST)