Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ઓખીનું સંકટ ટળી ગયુ પણ રાજ્યભરમાં કાશ્મીરી ઠંડી

નલિયા - વલસાડમાં મહત્તમ તાપમાન નોંધાયું

નવી દિલ્હી તા. ૭ : ગુજરાત પરથી ઓખી વાવાઝોડાનું સંકટ તો તળી ગયુ છે પરંતુ ઓખીની અસરને કારણે રાજયભરમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે. સામાન્યપણે અમદાવાદમાં દિવસે ૩૦ સેલ્સિયસ તાપમાન હોય છે જે બુધવારના રોજ ૧૯ સેલ્સિયસ થઈ ગયુ હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન ૧૯.૧ સેલ્સિયસ નોંધાયુ હતુ જે સામાન્ય કરતા ૧૧.૭ સેલ્સિયસ ઓછું છે. IMD, ગુજરાતના ડિરેકટર જયંત સરકાર જણાવે છે કે, ઓખી વાવાઝોડાનું જોર ઘણું ઝડપથી નબળુ પડી ગયુ. ટુંક સમયમાં ગુજરાતનું વાતાવરણ સામાન્ય થઈ જશે. ગુરુવારના રોજ રાજયના ઘણાં વિસ્તારમાં તડકો પણ જોવા મળશે.

જયંત સરકારે આગળ જણાવ્યું કે, દિવસના તાપમાનમાં આગામી દિવસોમાં વધારો થશે, પરંતુ રાતે તાપમાન ઘટવાની શકયતા છે. બુધવારના રોજ રાજયમાં નલિયા અને વલસાડમાં સૌથી ઓછું તાપમાન હતુ. ૧૨.૬ સેલ્સિયસ તાપમાન સાથે રાજયમાં સૌથી વધારે ઠંડી ત્યાં હતી. આવા તાપમાનમાં ઈન્ફેકશન અને અન્ય બીમારીઓની સંભાવનાઓ વધી જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ ઓફિસર ભાવિન સોલંકી જણાવે છે કે, દરેકને દિવસમાં ૨-૩ વાર હુંફાળુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે અને બહારનો ખોરાક લેવાનું ટાળવુ જોઈએ. આવા વાતાવરણમાં કબજિયાત અને અન્ય પેટની બીમારીઓ વધી જાય છે.

ઘણાં અમદાવાદીઓ આ વાતાવરણને કારણે ખુશ થયા છે. વેજલપુરમાં રહેતા ફાલ્ગુની પટેલ જણાવે છે કે, સારૃં છે કે આજે વરસાદ નથી પડ્યો. આ વાતાવરણને કારણે મારા ગળામાં ઈન્ફેકશન થઈ ગયું છે, પરંતુ કાળઝાળ ગરમી કરતા આવુ ઠંડક વાળુ વાતાવરણ વધારે સારૂ છે.

(2:43 pm IST)