Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

કોંગ્રેસનો રાહ મુશ્કેલઃ ભાજપ જીતશેઃ ૧૫૦નું લક્ષ્યાંક અઘરો

સર્વે મુજબ, ભાજપને ૧૧૧: કોંગ્રેસને ૬૮: ભાજપનો વોટશેર ઘટશેઃ કચ્છ - સૌરાષ્ટ્રમાં રસાકસીઃ મુખ્યમંત્રી તરીકે રૂપાણી લોકપ્રિયઃ મોદીના 'વિકાસ મોડલ' પર વિશ્વાસ

નવી દિલ્હી તા. ૭ : 'ટાઇમ્સ નાઉ' અને સ્પ્ય્ના સર્વે મુજબ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થશે, પણ પાર્ટી માટે ૧૫૦ બેઠકો જીતવાનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવું મુશ્કેલ જણાય છે. સર્વે મુજબ, ભાજપ ૧૮૨ વિધાનસભા બેઠકોમાંથી ૧૧૧ બેઠકો જીતી શકે છે, જયારે કોંગ્રેસના ખાતામાં ગત વિધાનસભા ચૂંટણી કરતાં વધુ સાત બેઠકોનો ઉમેરો થશે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ૬૮ બેઠકો મળવાની શકયતા છે. જયારે અન્ય પક્ષોને ત્રણ બેઠકો મળી શકે છે.

સર્વેમાં જાણવા મળ્યું છે કે, ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ ભાજપની મત ટકાવારીમાં ત્રણ ટકાનો ઘટાડો થશે અને કોંગ્રેસની મત ટકાવારીમાં એક ટકાનો વધારો થશે.

સર્વે મુજબ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભાજપનું પ્રદર્શન સારું રહેશે, પણ ઉત્ત્।ર ગુજરાતમાં તેની મત ટકાવારીમાં પાંચ ટકાનો ઘટાડો થશે, જયારે કોંગ્રેસ અહીં ફરી ઊભી થઈ રહી છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી છે.

રાજયના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીની લોકપ્રિયતા યથાવત્ છે. સર્વેમાં તેમને નીતિન પટેલ, આનંદીબહેન પટેલ અને શકિતસિંહ ગોહિલ કરતાં વધુ વોટ મળ્યા છે. લોકપ્રિયતા મામલે વિજય રૂપાણીને ૩૬ ટકા મત મળ્યા છે, જયારે નીતિન પટેલને ૧૬ ટકા, શકિતસિંહ ગોહિલ અને આનંદીબહેન પટેલને સાત-સાત ટકા વોટ મળ્યા છે.

બીજી તરફ મોટા ભાગના લોકોને નરેન્દ્ર મોદીના 'વિકાસ મોડલ' પર વિશ્વાસ છે અને તેમનું માનવું છે કે, રાજયને સરદાર સરોવર ડેમ જેવી મોટી યોજનાઓથી ઘણો ફાયદો થયો છે. આ સર્વે ગત ૨૩મીથી ૩૦મી નવેમ્બર વચ્ચે કરવામાં આવ્યો હતો, જેમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોના તમામ વયજૂથ ધરાવતા લોકોનો અભિપ્રાય લેવાયો હતો. રાજયમાં ૬૮૪ પોલિંગ બૂથ્સ પર કુલ ૬૦૦૦ લોકોનો અભિપ્રાય લેવાયો હતો.

(9:49 am IST)