Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

દિલ્હીની કોર્ટો જડબેસલાક બંધ, નમતું જોખવા બાર કાઉન્સીલનો ઇનકાર

દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટ, સાકેત કોર્ટ, રોહિણી કોર્ટ, કડકડડૂમા કોર્ટ, તીસ હજારી કોર્ટ સહિત તમામ ૬ જિલ્લા અદાલતોમાં વકીલો કામકાજથી અળગા રહ્યા હતા : કલમ ૩૨ અનુસાર લોકો ખુદ પોતાનો કેસ લડી શકે છે

નવી દિલ્હી, તા.૭: દિલ્હીની તીસ હજારી કોર્ટમાં પાર્કિંગના મામલે પોલીસ અને વકીલો વચ્ચે થયેલી તકરાર બાદ સર્જાયેલી મડાગાંઠ વધુ જટિલ બની છે. મંગળવારે દિલ્હીમાં પોલીસ કર્મચારીઓ દ્વારા પોલીસ મુખ્યમથક ખાતે ધરણા બાદ બુધવારે વકીલો અને પોલીસ વચ્ચેનો સંદ્યર્ષ વધુ ઉગ્ર બન્યો હતો. હડતાળ પર ચાલ્યા ગયેલા વકીલોએ દિલ્હીની તમામ લોઅર કોર્ટને બળપૂર્વક બંધ કરાવી હતી. દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટ, સાકેત કોર્ટ, રોહિણી કોર્ટ, કડકડડૂમા કોર્ટ, તીસ હજારી કોર્ટ સહિત તમામ ૬ જિલ્લા અદાલતોમાં વકીલો કામકાજથી અળગા રહ્યા હતા અને પતિયાલા હાઉસ તથા સાકેત કોર્ટમાં અરજકર્તાઓને પણ કોર્ટ પ્રિમાઇસિસમાં પ્રવેશવા દીધા નહોતા. રોહિણી કોર્ટમાં દેખાવો દરમિયાન એક વકીલે પોતાના કપડાં ઉતારીને શરીર પર કેરોસીન છાંટી આત્મદાહનો પ્રયાસ કર્યો હતો જયારે એક એડવોકેટ ઇમારતની છત પર ચડી ગયો હતો અને આત્મહત્યાની ધમકી આપી હતી.

દરમિયાન બુધવારે દિલ્હી હાઇકોર્ટે વકીલો સામે કાર્યવાહીના મામલે પોતાના અગાઉના આદેશમાં બદલાવ નહીં કરવાનો નિર્ણય કરી દિલ્હી પોલીસને મોટો આંચકો આપ્યો હતો. હાઇકોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે, ૩ નવેમ્બરના તીસ હજારી કોર્ટના મામલા પર આપેલો આદેશ સ્વયંસ્પષ્ટ છે તેથી તેના પર સ્પષ્ટતાની કોઈ જરૂર નથી. બીજી નવેમ્બરના રોજ તીસ હજારી કોર્ટમાં દ્યટેલી ઘટનામાં પોલીસ દ્વારા નોંધાયેલી બે એફઆઇઆરના આધારે કોઈપણ વકીલ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં નહીં આવે. તે ઉપરાંત તીસ હજારી મામલાની તપાસ માટે રચાયેલી જયુડિશિયલ ઇન્કવાયરી પેનલ કોર્ટ દ્વારા કરાયેલ અવલોકનના કોઈપણ પ્રભાવ વિના કામગીરી ચાલુ રાખશે. દિલ્હી હાઇકોર્ટે સાકેત જિલ્લા કોર્ટ ખાતે કોન્સ્ટેબલને મારવાના કિસ્સામાં એફઆઇઆર નોંધવાની પરવાનગી માગતી પોલીસની અરજી પણ ફગાવી દીધી હતી. મંગળવારે કેન્દ્ર સરકારે હાઇકોર્ટમાં રજૂ કરેલી અરજીમાં માગ કરી હતી કે, ૩ નવેમ્બરનો હાઇકોર્ટનો આદેશ ફકત તીસ હજારી મામલા પૂરતો જ મર્યાદિત હોવો જોઈએ.

વકીલોની માગ

૧. વકીલ પર ગોળીબાર કરનાર પોલીસ સામે પગલાં નહીં લેવાય ત્યાં સુધી અદાલતોમાં કામકાજ શરૂ થશે નહીં.

૨. ખોટા અહેવાલો પ્રસિદ્ઘ કરતા મીડિયા પર નિયંત્રણો લાદો, પોલીસ ઉશ્કેરણીજનક નિવેદનો બંધ કરે.

૩. વકીલો માટે અશ્લીલ ભાષાનો ઉપયોગ કરનાર સિનિયર પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવે.

(4:04 pm IST)