Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

કમોસમી વરસાદ વેરી બનતા કોંકણી કેરીનું આગમન મોડુ થશે

નવેમ્બર મહિનામાં આવી જતી મહોર આ વર્ષે હજી ખીલી નથી

મુંબઈ,તા.૭: આ વર્ષે લંબાયેલા વરસાદની અસર કોંકણની ડાંગર ખેતી પર તો થઈ છે. સાથે અત્યારે આંબાના પાક પર પણ તેની અસર જોવા મળી રહી છે. કમોસમી વરસાદ હજીયે ચાલું રહેતાં આશરે બે મહિના આંબાનો પાક લંબાવાની શકયતા છે.

કોંકણ વિસ્તારની કેરી મહારાષ્ટ્ર સહિત દેશભરમાં પ્રખ્યાત છે. સામાન્યપણે નવેમ્બરમાં આંબાના વૃક્ષ પર મહોર આવી જાય છે, પરંતુ આ વર્ષે હજી વૃક્ષોને મહોર ફૂટી નથી. જો વરસાદ આજ રીતે રહેશે તો તેની અસર ફળોના રાજા પર ચોકકસ થશે. આથી જો મહોર મોડી પડશે તો ફળોને ઉગતાં અને તેને પાકવામાં ઘણો સમય લાગી જશે, આથી સામાન્યપણે જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં આવતો ફાલ આ વખતે એકાદ- બે મહિના લંબાય તેવી શકયતાઓ જણાઈ રહી છે.

આ ઉપરાંત જો બજારમાં કેરી મોડી આવશે અને પૂરતો પાક બજારમાં નહીં ઉપલબ્ધ હોય તો કેરીના ભાવ આસમાને જવાની પણ પૂરી શકયતા દેખાય છે. રાજયમાં થયેલ કમોસમી વરસાદે લાખો ખેડૂતોનો પાક નુકશાનીમાં ગયો છે. હવે ખેતી પર અવલંબિત વ્યાવસાયોને પણ તેનો ફટકો બેસવા માંડયો છે. વરસાદે જુવાર, બાજરી જેવા પાકને જમીન દોસ્ત કર્યા છે તો પશુખાદ્ય પર પણ તેની અસર થઈ છે.

(3:32 pm IST)