Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

ચુકાદાના કાઉન્‍ટડાઉન સાથે અયોધ્‍યામાં હાઈએલર્ટ જાહેર

સમગ્ર શહેરમાં આશંકા અને ઉચાટનો માહોલઃ લોકો પોતાના ઘરોમાં રાશન ભરવા લાગ્‍યાઃ લગ્નો બીજા જિલ્લામાં ખસેડવા લાગ્‍યાઃ સરકારી કર્મચારીઓની રજા ૩૦મી સુધી કેન્‍સલ : ગામડાઓની સ્‍કૂલોમાં અસ્‍થાયી જેલ બનાવાઈઃ સમગ્ર અયોધ્‍યામાં લોખંડી સુરક્ષા વ્‍યવસ્‍થા તૈનાતઃ ગમે તેમ કરીને કાયદો અને વ્‍યવસ્‍થા બગડવા નહિ દેવા તંત્ર મક્કમ

અયોધ્‍યા, તા. ૭ :  અયોધ્‍યા વિવાદમાં સુપ્રીમ કોર્ટના સંભવિત ફેંસલાને લઈને ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે. આશંકા અને તનાવ પણ જોવા મળી રહ્યા છે. રામજન્‍મ ભૂમિ બાબરી મસ્‍જિદ મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ગમે ત્‍યારે આવી શકે છે. એવામાં અહીંના લોકો પોતપોતાની રીતે તૈયારીઓ કરવા લાગ્‍યા છે. કેટલાક લોકોએ ખાવાપીવાની અને ઘર જરૂરીયાતની વસ્‍તુઓ ઘરભેગી કરવાનુ શરૂ કરી દીધુ છે તો મહિલાઓ અને બાળકોને કેટલાક લોકો સુરક્ષિત સ્‍થળે મોકલવામાં લાગ્‍યા છે. બીજી તરફ તંત્ર પણ એલર્ટ છે અને સમગ્ર અયોધ્‍યામાં સુરક્ષા અને શાંતિ જાળવી રાખવા કોઈ કસર છોડવા નથી માંગતું.

કેટલાક લોકો લગ્નો પણ કેન્‍સલ કરી રહ્યા છે અથવા તો વિવાહ સ્‍થળ બીજા જિલ્લામાં શિફટ કરી રહ્યા છે. સૈયદવાડામાં મુસ્‍લિમ વસ્‍તી છે. અહીં મંદિર અને હિન્‍દુ પરિવારનો પણ ઘર છે. આ વિસ્‍તારમાં રહેતા એક આધેડ વયના દરજીએ જણાવ્‍યુ છે કે આ વખતે આ વિસ્‍તારને નિશાના પર લેવાય તેવી શકયતા છે જે ચિંતાજનક છે. બીજા એક વ્‍યકિતએ કહ્યુ છે કે, જો ફેંસલો રામ મંદિરના પક્ષમાં ન આવ્‍યો તો સંકટ ઉભુ થશે. એવામાં અમે અમારા પરિવારને અહીંથી બીજે ન મોકલીયે તો શું કરીએ ? બીજી એક વ્‍યકિત ઘનશ્‍યામદાસ ગુપ્‍તા કહે છે કે અમે જરૂરીયાતની વસ્‍તુઓ ઘરે ભેગી કરી લીધી છે. ઘર માટે દાળ, ચોખાનો સંગ્રહ કરી લીધો છે. તેઓ કહે છે કે લોકોને અહીં એકબીજાથી પરેશાની નથી, પરેશાની ત્‍યારે થાય છે કે જ્‍યારે બહારથી લોકો આવે છે.

બીજી તરફ પોલીસનું કહેવુ છે કે અમે હિન્‍દુ મહંતો અને મુસ્‍લિમ ઈમામો સાથે બેઠકો યોજી છે. લોકોએ ડરવાની જરૂર નથી. અમે ગમે તેમ કરીને અયોધ્‍યામાં શાંતિ રહે તેવી વ્‍યવસ્‍થા કરવાના છીએ. કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા માટે અધિકારીઓ અને કર્મચારીઓની રજા ૩૦મી સુધી રદ્દ કરી દેવાય છે. બીજા જિલ્લામાંથી વધુ ફોર્સ મંગાવાઈ છે. શહેરથી લઈને ગ્રામીણ વિસ્‍તારોમાં અસ્‍થાયી જેલ બનાવવા માટે સ્‍કૂલોને ખાલી કરાવાય છે. અયોધ્‍યાની બોર્ડર પર ખાસ તકેદારી રાખવામાં આવી છે. પોલીસ અને પ્રસાશન એલર્ટ મોડમાં છે. હોસ્‍પીટલોને પણ તૈયાર રાખવામાં આવી છે.

(11:07 am IST)