Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

અમેરિકી મધ્યસત્ર ચૂંટણીઃ સેનેટમાં જીત્યો ટ્રમ્પનો પક્ષઃ નીચલા ગૃહમાં બહુમતી ગુમાવી

મધ્યસત્ર ચૂંટણીના પરિણામોએ અમેરિકામાં રાજનીતિની દિશા બદલી નાખીઃ ૨૦૧૬માં રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પના પક્ષની બહુમતી બન્ને ગૃહમાં હતીઃ હવે નીચલા ગૃહ હાઉસ ઓફ રેપ્રેઝેન્ટેટીવમાં હવે ડેમોક્રેટસ બહુમતીમાં : મધ્યસત્ર ચૂંટણીના પરિણામો ટ્રમ્પ માટે આંચકા સમાનઃ અમેરિકી કોંગ્રેસમાં પહેલીવાર બે મુસ્લિમ મહિલાઓનો વિજયઃ હવે રાજનીતિમાં ટ્રમ્પની મનમાની નહિ ચાલેઃ સત્તા અને સંતુલન જેવી સ્થિતિ બની

વોશિંગ્ટન, તા. ૭ :. અમેરિકામાં યોજાયેલી મધ્યસત્ર ચૂંટણીના પરિણામોને મિશ્ર પરિણામ કહી શકાય. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પક્ષ રીપબ્લીકને જ્યાં સેનેટમાં પોતાની બહુમતી યથાવત રાખી છે તો નીચલા ગૃહ હાઉસ ઓફ રીપ્રેઝેંટેટીવમાં ડેમોક્રેટસનો દબદબો રહેશે. ૨૦૧૬ની રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ યોજાયેલી મધ્યસત્ર ચૂંટણીના પરિણામોની અમેરિકા અને વૈશ્વિક બાબત પર દુરગામી અસર પડવાની છે. આ ચૂંટણીએ અમેરિકાની રાજનીતિની દિશા બદલી છે. ૨૦૧૬માં રાષ્ટ્રપતિ બન્યા બાદથી ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષની બહુમતી બન્ને ગૃહોમાં હતી. આ ચૂંટણી બાદ રીપબ્લીકનની બહુમતી સેનેટમાં છે પરંતુ નીચલા ગૃહમાં હવે ડેમ્રોકેટસ બહુમતીના છે.

૨૦૧૬ના બહુચર્ચિત ચૂંટણી પરિણામો બાદથી અત્યાર સુધી ટ્રમ્પ બન્ને ગૃહોમાં બહુમતી હોવાને કારણે સત્તાની અસીમ તાકાતનો ઉપયોગ કરતા હતા. હવે નીચલા સદનમાં વિપક્ષ ડેમોક્રેટસ બહુમતીમાં આવવાથી ટ્રમ્પ માટે સત્તા અને સંતુલન જેવી સ્થિતિ બની ગઈ છે. પહેલા જ એવી આશંકા હતી કે, જો એક ગૃહમાં ડેમોક્રેટસ જીતે અને એકમાં રીપબ્લીકન તો ટ્રમ્પ પ્રશાસને તનાવપૂર્ણ સ્થિતિનો સામનો કરવો પડશે.

ડેમોક્રેટસની બહુમતી હવે હાઉસ ઓફ રીપ્રેઝેંટેટીવમાં છે. એવી સ્થિતિમાં ટ્રમ્પ માટે આવતા દિવસો મુશ્કેલ ભર્યા બની રહેશે. ટ્રમ્પની મનમાની આર્થિક નીતિઓથી લઈને ૨૦૧૬ની ચૂંટણીમાં રૂસની દખલને લઈને તીખા સવાલો અને ફેંસલાને પડકારવામાં આવે તે નક્કી છે. આ પરિણામોથી વોશિંગ્ટનમાં શકિત સંતુલન બદલી જશે. જો કે હજુ મત ગણતરી ચાલુ છે અને કેટલાક રાજ્યોમાં મતદાન પણ ચાલુ છે.

કોલારેડોમાં ડેમોક્રેટસ ઉમેદવાર જેરેડ પોલીસનો વિજય થયો છે. તેઓ પહેલા સમલૈંગીક અમેરિકી ગવર્નર છે તો અમેરિકી કોંગ્રેસની પ્રથમ બે મુસ્લિમ મહિલાઓ રાશીદા તલેબ અને ઈલ્હાન ઓમરને પસંદ કરવામાં આવ્યા છે. રીપબ્લીકન ઉમેદવાર ટ્રેડ ક્રુઝને ટેકસાસથી ફરી સેનેટર ચૂંટવામાં આવ્યા છે. ૨૭ વર્ષની સાફીયા વજીરે રીપબ્લીકનના ડેનીલ સોસીને હરાવી ન્યુ હેમ્પ સાયર બેઠકથી વિજય મેળવ્યો છે. તે બે બાળકોની માતા અને તેનો પરિવાર તાલીબાનમા થયેલા પ્રહાર બાદ અફઘાનિસ્તાન આવી ગયો હતો. ડેમોક્રેટસને હાઉસની ૨૩ બેઠકો મળી છે જેને કારણે તેને જરૂરીયાત માટેની ૨૧૮ બેઠકો મળી ગઈ છે.

અમેરિકામાં સામાન્ય ચૂંટણી દર ચાર વર્ષે થાય છે પરંતુ રાષ્ટ્રપતિના કાર્યકાળની વચ્ચે યોજાતી આ ચૂંટણીને મધ્યસત્ર ચૂંટણી કહેવાય છે. ગઈકાલે થયેલ મતદાનમાં સેનેટ એટલે કે અમેરિકી સંસદના ઉપલા ગૃહની ૧૦૦માંથી ૩૫ બેઠકો અને પ્રતિનિધિ સભા એટલે કે નીચલા ગૃહની તમામ ૪૩૫ બેઠકો માટે સાંસદો પસંદ કરવામાં આવે છે. આમાથી ૩૫ રાજ્યોના ગવર્નર ચૂંટાશે. ઓપીનીયન પોલ સંકેત આપતા હતા કે, વિપક્ષી ડેમોક્રેટસ કાંઠુ કાઢશે.

(3:12 pm IST)