Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

મધ્યપ્રદેશમાં નવા અને જુના ચહેરા પર વધારે દાવ લાગ્યો

દોઢ દશકના સત્તાના વનવાસને પૂર્ણ કરવા તૈયારી : કોંગ્રેસે યુવાનોની સાથે અનુભવી ચહેરાને પણ આ વખતે પ્રાથમિકતા આપી : કોંગ્રેસ દ્વારા ૧૭૧ ઉમેદવારો જાહેર

ભોપાલ,તા. ૬ : દોઢ દશકના સત્તાના વનવાસને ખતમ કરવા માટેના પ્રયાસમાં કોગ્રેસે આ વખતે જોરદાર તૈયારી કરી છે. કોંગ્રેસ પાર્ટીએ સત્તા કબજે કરવા માટે આ વખતે નવા અને જુના ચહેરા પર દાવ રમ્યો છે. એટલે કે કોંગ્રેસ પાર્ટીએ અનુભવી અને ઉર્જાની સાથે સાથે તે પોતાના ચૂંટણી રથ પર સવાર થઇને વિજય મેળવી લેવા માટે તૈયાર છે. કોંગ્રેસ પાર્ટીએ હજુ સુધી ૧૭૧ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ૧૬ ઉમેદવારોની બીજી યાદીમાં પાંચ ધારાસભ્યોને ફરી તક આપવામાં આવી છે. હજુ સુધી ૫૪ ધારાસભ્યો પૈકી ૫૧ને ફરી મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. બાકી ૫૯ સીટ પર ઉમેદવારોના નામ હજુ જાહેર કરવાના બાકી છે. જેમાં ત્રણ વર્તમાન ધારાસભ્યોની સીટો પણ સામેલ છે. ભાજપ દ્વારા હજુ સુધી ૧૯૩ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસના હજુ સુધી જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં રાજકીય અનુભવની સાથે સાથે યુવાનોને પણ મહત્વ આપવામાં આવ્યુ છે. ૧૭૧ ઉમેદવારો પૈકી ૪૮ એવા ઉમેદવારો છે જે છેલ્લી ચૂંટણીમાં હારી ગયા હતા. જો કે કોંગ્રેસે આ તમામ પર ફરી દાવ રમ્યો છે. સર્વેના આધાર પર ટિકિટ વહેંચવા માટેનો દાવો કરનાર કોંગ્રેસને આ ઉમેદવારો જીતી જશે તેમ લાગે છે. કોંગ્રેસને લાગે છે કે છેલ્લી ચૂંટણીમાં હારનો સ્વાદ ચાખી ચુકેલા ઉમેદવારો જ  પાર્ટીને જીત અપાવશે. કોંગ્રેસ પાર્ટીએ ૩૦થી વધારે યુવાનોને પણ ટિકિટ આપી છે. જેમાં કેટલાક આશાસ્પદ ચહેરા પણ સામેલ છે. નવા ચહેરાની સાથે કોંગ્રેસ પાર્ટી શાસન વિરોધી પરિબળોનો શિકાર થયેલા ભાજપના વર્તમાન ધારાસભ્યોને તેમના ગઢમાં પરાજિત કરવા માટેની તૈયારી કરી છે. કોંગ્રેસે પોતાની યાદીમાં અડધી વસ્તીની બાબતોને પણ ધ્યાનમાં લીધી છે. ૨૨ મહિલા ઉમેદવારોને ટિકિટ આપીને કોંગ્રેસે રાહુલ ગાંધીની ફોર્મ્યુલાને અમલી કરી દીધી છે. સાથે સાથે આ લોકોના વિશ્વાસને જીતવા માટે પણ ઇચ્છુક છે. તેમાં પણ યુવાનોની સંખ્યા વધારે છે. કોંગ્રેસ પ્રધાનોને તેમના કિલ્લામાં બંધ કરવા માટે ઇચ્છુક છે. મુખ્યપ્રધાન શિવરાજ સિંહ સહિત દિગ્ગજોની સામેના ઉમેદવારોના નામ જાહેર ન કરીને કોંગ્રેસ પાર્ટીએ આક્રમક તૈયારી કરી લીધી છે. કોંગ્રેસ પાર્ટીને ભાજપના એવા વિભીષણોની પણ શોધ છે જે વિજયમાં તેની સાથે રહી શકે છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી સ્પર્ધા મધ્યપ્રદેશમાં રહેલી છે. આ વખતે ભાજપ સામે જોરદાર શાસન વિરોધી લહેર છે. શિવરાજ સિંહ ચૌહાણ સામે જોરદાર પડકારની સ્થિતી રહેલી છે. 

મધ્યપ્રદેશમાં ભાજપના  ૧૯૩ ઉમેદવારો જાહેર

સત્તા જાળવવા માટેની તૈયારી

  ભોપાલ,તા. ૬ : મધ્યપ્રદેશમાં સત્તા જાળવી રાખવા માટે ભાજપે પણ પોતાની રીતે તમામ પ્રકારની તૈયારી કરી છે. મધ્યપ્રદેશમાં દશકથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીએ તેની યોજના તૈયાર કરી લીધી છે. ભાજપે હજુ સુધી ૧૯૩ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. શાસન વિરોધી પરિબળો હેઠળ પાર્ટી માત્ર ૩૯ ધારાસભ્યોની ટિકિટ જ કાપી શકી છે. મંત્રી ગૌરી શંકર શેજવાર અને હર્ષ સિંહને તેમના પુત્રોને તક આપીને બેસાડી દેવામાં આવ્યા છે. માયા સિંહને પણ ચૂંટણી સમરથી દુર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાગૌદમાં ખજુરાહો સાંસદ નાગેન્દ્ર સિંહને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. બીજી બાજુ બે અનુભવી નેતા બાબુલાલ ગૌર અને સરતાજ સિંહ પાર્ટીને હેરાન કરે છે.કોંગ્રેસની યાદીમાં સવર્ણ આંદોલનની અસર પણ દેખાઇ રહી છે. પાર્ટીએ ૨૮ ક્ષેત્રીય અને ૨૪ બ્રાહ્યણને પણ પ્રથમ યાદીમાં સ્થાન આપીને આ જાતિઓને સંતુષ્ટ કરવાના પ્રયાસ કર્યા છે. કોંગ્રેસ પાર્ટી છેલ્લી ચૂંટણીમાં સીટો પર જાતિગત સમીકરણ સાધવામાં સફળ સાબિત થઇ ન હતી.

(12:00 am IST)