Gujarati News

Gujarati News

News of Friday, 6th October 2023

પાંચ રાજ્‍યોની ચૂંટણી માટેનું કાઉન્‍ટડાઉન શરૂ

ટુંક સમયમાં તારીખોનું એલાન થશે : ૪ રાજ્‍યોમાં એક જ દિવસે અને છત્તીસગઢમાં બે તબક્કે મતદાન થવાની સંભાવના : મતગણતરી ૧૦ ડિસેમ્‍બરે આસપાસ થવાની શક્‍યતા : ચૂંટણી પંચે કરી સમીક્ષા

નવી દિલ્‍હી તા. ૬ : ચૂંટણી પંચે ૫ રાજયોમાં ચૂંટણીની તારીખોની સંભવિત રૂપરેખા તૈયાર કરી છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર છત્તીસગઢમાં બે તબક્કામાં અને રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં એક તબક્કામાં મતદાન થવાની સંભાવના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવેમ્‍બર અને ડિસેમ્‍બર મહિનામાં પાંચ રાજયોમાં અલગ-અલગ તબક્કામાં મતદાન થશે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર મત ગણતરીની તારીખ ૧૦ થી ૧૫ ડિસેમ્‍બરની વચ્‍ચે નક્કી કરવામાં આવે તેવી શક્‍યતા છે. મુખ્‍ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને બંને ચૂંટણી કમિશનરની મંજૂરી મળ્‍યા બાદ ચૂંટણી કાર્યક્રમને આખરી મંજુરી આપવામાં આવશે અને ત્‍યારબાદ તેની જાહેરાત કરવામાં આવશે. ચૂંટણી પંચ આજે દિલ્‍હીમાં ૫ રાજયોના ચૂંટણી નિરીક્ષકો સાથે બેઠક યોજી રહ્યું છે. આ પછી ચૂંટણી પંચ ટૂંક સમયમાં ચૂંટણી કાર્યક્રમોની જાહેરાત કરશે.

ઉલ્લેખનીય છે કે મુખ્‍ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે અગાઉ કહ્યું હતું કે ચૂંટણી પંચ મુક્‍ત અને નિષ્‍પક્ષ ચૂંટણી માટે પ્રતિબદ્ધ છે, જેમાં સામાન્‍ય માણસ માટે મતદાન સરળ બને અને મતદાનની ટકાવારી વધારવા પર વિશેષ ધ્‍યાન આપવામાં આવ્‍યું છે. મુખ્‍ય કમિશનરે એમ પણ કહ્યું કે ફરજિયાત મતદાન માટે પંચ સમક્ષ કોઈ દરખાસ્‍ત નથી. પત્રકારો સાથે વાત કરતા મુખ્‍ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ચૂંટણી લડનારા ઉમેદવારોએ અખબારોમાં જાહેરાત આપીને તેમના ગુનાહિત રેકોર્ડ જાહેર કરવા પડશે. આ સાથે રાજકીય પક્ષોએ પણ જણાવવું પડશે કે પાર્ટીએ તેમને ઉમેદવાર તરીકે કેમ પસંદ કર્યા છે.

તેમણે જયપુરમાં જણાવ્‍યું હતું કે રાજસ્‍થાનમાં પહેલીવાર વૃદ્ધ મતદારો તેમજ ૪૦ ટકા વિકલાંગતા ધરાવતા લોકો માટે ઘરેથી મતદાન કરવાની સુવિધા ઉપલબ્‍ધ થશે. ફરજિયાત મતદાન અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન પર તેમણે કહ્યું કે ‘ચૂંટણી પંચ સમક્ષ ફરજિયાત મતદાન માટે કોઈ પ્રસ્‍તાવ નથી.' રાજીવ કુમારે કહ્યું કે મતદાનની ટકાવારી વધારવા અને મતદાનમાં સરળતા માટે પહેલ કરવામાં આવી છે. ઉપરાંત, રાજસ્‍થાનમાં કાયદા અમલીકરણ એજન્‍સીઓને સરહદી વિસ્‍તારોમાં, ખાસ કરીને હરિયાણા અને પંજાબ સરહદો પર દારૂ અને રોકડના પરિવહનને તપાસવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

તેમણે કહ્યું કે રાજસ્‍થાનમાં કુલ ૫.૨૫ કરોડ મતદારો છે જેમાં ૨.૭૩ કરોડ પુરૂષો, ૨.૫૧ કરોડ મહિલાઓ અને ૬૦૪ ટ્રાન્‍સજેન્‍ડરનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ૧૮૪૬૨ મતદારો ૧૦૦ વર્ષથી વધુ ઉંમરના છે, ૧૧.૮ લાખ ૮૦ વર્ષથી વધુ ઉંમરના છે અને ૨૧.૯ લાખ પ્રથમ વખત મતદારો છે. પંચના સભ્‍યો સાથે રાજસ્‍થાનની મુલાકાત દરમિયાન, પંચે ચૂંટણી તૈયારીઓ અંગે રાજય સરકારના અધિકારીઓ સાથે ઘણી બેઠકો કરી હતી. પંચે ત્રણ દિવસની મુલાકાત દરમિયાન રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, મુખ્‍ય સચિવ, પોલીસ મહાનિર્દેશક, જિલ્લા કલેક્‍ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક અને અન્‍ય અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી.

(3:17 pm IST)