Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

દિવાળી પહેલા સામાન્ય માણસને મોટો ઝટકો: CNGના ભાવમાં પ્રતિ કિલો 3 રૂપિયાનો વધારો

પરિવહન ખર્ચ વધતા ફળો અને શાકભાજીના ભાવમાં ઉછાળો આવશે:ચારે બાજુથી મોંઘવારી વધશે અને દિવાળી સુધી કોઈ રાહત નથી.

નવી દિલ્હી : દિવાળી પહેલા સામાન્ય માણસને મોટો ઝટકો લાગ્યો છે. IGL દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વધેલા દરો શનિવારથી લાગુ થશે. રાજધાની દિલ્હીમાં CNGની કિંમત 75.61 રૂપિયાથી વધારીને 78.61 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં કિંમત 78.17 રૂપિયાથી વધારીને 81.17 રૂપિયા કરવામાં આવી છે.

 ગુરુગ્રામમાં CNGની કિંમત 86.94 રૂપિયા, રેવાડીમાં 89.07 રૂપિયા, કરનાલમાં 87.27 રૂપિયા, મુઝફ્ફરનગરમાં 85.84 રૂપિયા અને કાનપુરમાં 89.81 રૂપિયા થઈ ગઈ છે. ભાવ વધતાની સાથે જ હવે તેની અસર સામાન્ય લોકોના ખિસ્સા પર થવાની છે. Ola-Uber જેવી સેવાઓ પણ વધુ ચાર્જ લેશે. જયારે જેઓ દરરોજ ઓટોમાં મુસાફરી કરે છે, તેઓએ પણ તેમના ખિસ્સા ઢીલા કરવા પડશે. કારણ કે પરિવહન ખર્ચ વધશે, આવી સ્થિતિમાં, ફળો અને શાકભાજીના ભાવમાં ઉછાળો આવશે. એટલે કે ચારે બાજુથી મોંઘવારી વધશે અને દિવાળી સુધી કોઈ રાહત નથી.

ઉલ્લેખનીય છે કે પ્રાકૃતિક ગેસના ભાવમાં રેકોર્ડ વધારો થયો છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતો અગાઉથી આગાહી કરી રહ્યા હતા કે સીએનજી અને પીએનજીના ભાવમાં મોટો વધારો થશે. હવે આ દિશામાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 3 રૂપિયાનો વધારો થયો છે, આગામી દિવસોમાં આ આંકડો વધુ મોટો થઈ શકે છે.

 

સરકારે ગયા અઠવાડિયે જૂના ગેસ ફિલ્ડમાંથી ઉત્પાદિત ગેસ માટે ચૂકવવામાં આવતા દરને વર્તમાન $6.1 પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (mmBtu) થી વધારીને $8.57 પ્રતિ યુનિટ કર્યો છે. આ સિવાય મુશ્કેલ ક્ષેત્રોમાંથી કાઢવામાં આવતા ગેસની કિંમત બ્રિટિશ થર્મલ યુનિટ દીઠ $9.92 થી વધારીને $12.6 કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં સીએનજી અને પીએનજીના ભાવમાં મોટો ઉછાળો આવે તેવા સંકેતો પહેલાથી જ મળી રહ્યા હતા.

નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 8 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં લોકોને આ મોંઘવારીમાંથી અત્યારે રાહત મળી રહી નથી. બીજી તરફ,  અહેવાલમાં કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જૂના ગેસ ફિલ્ડમાંથી ઉત્પાદિત ગેસના ભાવમાં એક વર્ષમાં લગભગ 5 ગણો વધારો થયો છે.

અત્રે એ જાણવું પણ જરૂરી છે કે ત્રણ દિવસ પહેલા મહાનગર ગેસ લિમિટેડ (MGL)એ પણ CNGના ભાવમાં પ્રતિ કિલો 6 રૂપિયાનો વધારો કર્યો હતો. તેના કારણે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સીએનજીના ભાવમાં વધારો થયો હતો. આવી સ્થિતિમાં દિલ્હી-એનસીઆરમાં સીએનજીના ભાવ વધવાના સંકેત પણ હતા.

(12:31 am IST)