Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

જ્ઞાનવાપીઃ ‘શિવલિંગ'ની કાર્બન ડેટિંગ પર પહેલા મુસ્‍લિમ પક્ષને પણ સાંભળશે અદાલતઃ હવે ૧૧મી ઓક્‍ટોબરે સુનાવણી

કથિત શિવલિંગની તપાસની માંગ અંગે ૪ મહિલાઓએ કોર્ટમાં દાખલ કરી હતી અરજી

વારાણસી તા. ૭ : વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર સાથે જોડાયેલ જ્ઞાનવાપી મસ્‍જિદમાં મળેલા કથિલ શિવલિંગની કાર્બન ડેટિંગ પર જિલ્લા જજ ડો. અજય કૃષ્‍ણની અદાલતે પોતાનો આદેશ ટાળી દીધો છે. હિન્‍દુ પક્ષના વકીલના જણાવ્‍યા પ્રમાણે અદાલતે કહ્યુ છે કે, આ મામલામાં અમે કેટલીક સ્‍પષ્‍ટતાઓ ઇચ્‍છીએ છીએ. મુસ્‍લિમ પક્ષનો પ્રતિભાવ સાંભળ્‍યા બાદ અદાલત પોતાનો ફેંસલો સંભળાવી શકે છે. હવે સુનાવણી ૧૧મીએ થશે. તે દિવસે અદાલત પહેલા મુસ્‍લિમ પક્ષને સાંભળશે અને તે પછી અદાલત પોતાનો આદેશ આપશે.
વારાણસીની ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટે જ્ઞાનવાપી મસ્‍જિદ પરિસરમાં મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ પર નિર્ણય ટાળી દીધો છે. હવે કોર્ટ આ મામલે ૧૧ ઓક્‍ટોબરે ચુકાદો સંભળાવશે. જ્ઞાનવાપી સર્વેક્ષણ દરમિયાન, વજુખાનામાં એક શિવલિંગ જેવી આકૃતિ મળી હતી, જેનું હિન્‍દુ પક્ષે વિશ્વેશ્વર શિવલિંગ હોવાનો દાવો કર્યો હતો.
કોર્ટની કાર્યવાહી પહેલા ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો હતો. આ દરમિયાન કોર્ટમાં બંને પક્ષના લોકો હાજર હતા. હિંદુ પક્ષ વતી જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસમાં ચારેય વાદી અને તેમના વકીલ વિષ્‍ણુ શંકર જૈન અને હરિશંકર જૈન કોર્ટમાં પહોંચ્‍યા હતા. આ ઉપરાંત જિલ્લા ન્‍યાયાધીશની કોર્ટમાં સરકારી વકીલ મહેન્‍દ્ર પ્રસાદ પાંડે પણ હાજર હતા.
વારાણસી ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટમાં આ અરજી એ જ મહિલાઓ વતી દાખલ કરવામાં આવી હતી જેમણે કોર્ટમાંથી શ્રૃંગાર ગૌરીની પૂજા કરવાની પરવાનગી માંગતી અરજી દાખલ કરી હતી. મહિલા વતી એડવોકેટ વિષ્‍ણુ શંકર જૈને જિલ્લા ન્‍યાયાધીશની કોર્ટમાં આ અરજી દાખલ કરી હતી. આ પહેલા જિલ્લા ન્‍યાયાધીશ અજય કૃષ્‍ણ વિશ્વેશની કોર્ટે ૧૨ સપ્‍ટેમ્‍બરે મોટો ચુકાદો આપતાં શૃંગાર ગૌરીમાં પૂજાના અધિકાર માટે દાખલ કરવામાં આવેલી અરજીને સુનાવણી માટે યોગ્‍ય ગણાવી હતી.
હિંદુ પક્ષ વતી જ્ઞાનવાપી સંકુલમાં આવેલા શ્રૃંગાર ગૌરી સહિત અન્‍ય ધાર્મિક સ્‍થળોએ નિયમિત પૂજા કરવાની પરવાનગીની માંગણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પર, ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટે નક્કી કરવાનું હતું કે આ મામલો જાળવી શકાય છે કે નહીં. સુનાવણી દરમિયાન, મુસ્‍લિમ પક્ષે આ કેસને બરતરફ કરવાની માંગણી કરી હતી, એવી દલીલ કરી હતી કે તે કોર્ટમાં જાળવવા યોગ્‍ય નથી. મુસ્‍લિમ પક્ષની દલીલને નકારી કાઢતાં કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે આ મામલાની સુનાવણી સિવિલ પ્રોસિજર કોડના ઓર્ડર ૦૭ નિયમ ૧૧ હેઠળ થઈ શકે છે.
ઓગસ્‍ટ ૨૦૨૧માં ૫ મહિલાઓએ શૃંગાર ગૌરીમાં દેવતાઓની પૂજા અને રક્ષણ માટે અરજી કરી હતી. આ અંગે સિવિલ જજ સિનિયર ડિવિઝન રવિકુમાર દિવાકરે કોર્ટ કમિશનરની નિમણૂક કરી જ્ઞાનવાપીનો સર્વે કરવાનો આદેશ કર્યો હતો. હિન્‍દુ પક્ષે દાવો કર્યો હતો કે સર્વે દરમિયાન શિવલિંગ મળી આવ્‍યું હતું. જયારે મુસ્‍લિમ પક્ષે દાવો કર્યો હતો કે તે ફુવારો હતો. આ પછી હિન્‍દુ પક્ષે વિવાદિત સ્‍થળને સીલ કરવાની માંગ કરી હતી. સેશન્‍સ કોર્ટે તેને સીલ કરવાનો આદેશ કર્યો હતો. જેની સામે મુસ્‍લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
SC એ કેસને ડિસ્‍ટ્રિક્‍ટ જજને ટ્રાન્‍સફર કર્યો હતો અને તેમને આ કેસની જાળવણી પર નિયમિત સુનાવણી કર્યા પછી ચુકાદો જાહેર કરવાનો નિર્દેશ આપ્‍યો હતો. મુસ્‍લિમ પક્ષ તરફથી દલીલ કરવામાં આવી હતી કે આ જોગવાઈ મુજબ અને પ્‍લેસ ઓફ વર્શીપ એક્‍ટ ૧૯૯૧ના સંદર્ભમાં આ દાવો જાળવવા યોગ્‍ય નથી, તેથી તેની સુનાવણી થઈ શકે નહીં. પ્‍લેસિસ ઓફ વર્શીપ એક્‍ટ ૧૯૯૧ હેઠળ ૧૯૪૭ પછી ધાર્મિક સ્‍થળોની સ્‍થિતિ જાળવી રાખવાની જોગવાઈ છે.

 

(3:27 pm IST)