Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

દેશનું સૌથી ભારે રોકેટ ૨૨મીએ બ્રિટનના ૩૬ ઉપગ્રહોને લઈને કરશે પ્રસ્‍થાન

ઇસરોની પ્રથમ સંપૂર્ણ કોમર્શિયલ ફ્‌લાઈટ શ્રીહરિકોટાથી લોન્‍ચ થશે

નવી દિલ્‍હીઃતા.૭: દેશનું સૌથી ભારે રોકેટ GSLV-Mk3 લૉન્‍ચ માટે તૈયાર છે. તે ૨૨ ઓક્‍ટોબરે બ્રિટનના સ્‍ટાર્ટઅપ વનવેબના ૩૬ બ્રોડબેન્‍ડ ઉપગ્રહોને લઈને શ્રીહરિકોટા સ્‍પેસ સેન્‍ટરથી ઉડાન ભરશે. ઈસરો માટે આ પ્રથમ સંપૂર્ણ કોમર્શિયલ ઉડાન હશે.

નવું રોકેટ જીઓસિન્‍ક્રોનસ સેટેલાઇટ લૉન્‍ચ વ્‍હીકલ-Mk3 (GSLV-Mk3) ચાર ટન સુધીના ઉપગ્રહોને જીઓસિન્‍ક્રોનસ ટ્રાન્‍સફર ઓર્બિટ (GTO) માટે લૉન્‍ચ કરવામાં સક્ષમ છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું કે, ૨૧ ઓક્‍ટોબરની મધ્‍યરાત્રિ પછી તરત જ લૉન્‍ચિંગ નક્કી કરવામાં આવ્‍યું છે. તે ઘન, પ્રવાહી અને ક્રાયોજેનિક એન્‍જિન દ્વારા સંચાલિત ત્રણ તબક્કાનું રોકેટ છે. દેશની ભારતી એન્‍ટરપ્રાઇઝિસ વનવેબમાં મુખ્‍ય રોકાણકાર અને શેરહોલ્‍ડર છે.

OneWeb India-1 મિશન/LVM3 M2 હેઠળ લૉન્‍ચ થનાર આ સેટેલાઈટ ઈસરોની LVM3ને વૈશ્વિક વ્‍યવસાયિક લૉન્‍ચ માર્કેટમાં પ્રવેશ અપાવશે. આ લૉન્‍ચિંગ માટે વનવેબએ ન્‍યૂસ્‍પેસ ઈન્‍ડિયા લિમિટેડ (NSIL) સાથે ભાગીદારી કરી છે. NSILISROની વ્‍યાપારી શાખા છે. આ કંપનીનું ૧૪મું લૉન્‍ચિંગ હશે.

આ વર્ષની શરૂઆતમાં વનવેબના મુખ્‍ય રોકાણકાર અને શેરહોલ્‍ડર કંપની ભારતી એન્‍ટરપ્રાઇઝે હ્યુજીસ કોમ્‍યુનિકેશન્‍સ ઇન્‍ડિયા પ્રાઇવેટ લિમિટેડની સાથે વિતરણ ભાગીદારીની જાહેરાત કરી હતી. OneWeb એ કહ્યું હતું કે, લો અર્થ ઓર્બિટ (LEO)માં પ્રથમ પેઢીના સેટેલાઇટના જૂથનો તેના ૭૦ ટકા લક્ષ્ય પૂરો થઈ જશે. તે વિશ્વભરમાં હાઇ-સ્‍પીડ ઇન્‍ટરનેટ સેવાઓ પ્રદાન કરવામાં મદદરૂપ છે

(1:28 pm IST)