Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ઓનલાઇન ફેસ્‍ટિવ સેલમાં દર કલાકે ૫૬,૦૦૦ મોબાઇલ વેચાયા

૪૦,૦૦૦ કરોડ રૂપિયાનો થયો બિઝનેસ : ફિલપકાર્ટ ગ્રુપે ઓનલાઇન વેચાણ બજારમાં તેનું ટોપનું સ્‍થાન જાળવી રાખ્‍યું છે જ્‍યારે મીશો ઓનલાઇન ઓર્ડરની દ્રષ્‍ટિએ બીજા સ્‍થાન પર છે

નવી દિલ્‍હી તા. ૭ : ભારતીય ગ્રાહકો તહેવાર દરમિયાન સૌથી વધુ ખરીદી કરે છે અને આ વર્ષે પણ આવો જ ટ્રેન્‍ડ જોવા મળી રહ્યો છે. હાલમાં પૂરા થયેલા ઓનલાઈન ફેસ્‍ટિવ સેલ દરમિયાન ઈ-કોમર્સ કંપનીઓનું વેચાણ ૨૭ ટકા વધીને રૂ. ૪૦,૦૦૦ કરોડ થયું છે. ઓનલાઈન સેલ દરમિયાન પ્રતિ કલાક ૫૬,૦૦૦ મોબાઈલ ફોન વેચાયા હતા. ગુરુવારે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં આ અનુમાન વ્‍યક્‍ત કરવામાં આવ્‍યું છે. રેડસીર સ્‍ટ્રેટેજી કન્‍સલ્‍ટિંગ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ મુજબ ફિલપકાર્ટ ગ્રૂપે ઓનલાઈન વેચાણ બજારમાં તેનું ટોપનું સ્‍થાન જાળવી રાખ્‍યું છે જયારે મીશો ઓનલાઈન ઓર્ડરની દ્રષ્ટિએ બીજા સ્‍થાન પર છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે ઓક્‍ટોબરના છેલ્લા સપ્તાહમાં પૂરા થયેલા પહેલા ફેસ્‍ટિવ સેલમાં ઓનલાઈન પ્‍લેટફોર્મના વેચાણમાં વાર્ષિક ધોરણે ૨૭ ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન આ ઈ-કોમર્સ પ્‍લેટફોર્મ્‍સે ૫.૭ અરબ ડોલર અથવા રૂ. ૪૦,૦૦૦ કરોડના ઉત્‍પાદનોનું વેચાણ કર્યું હતું.

ઓનલાઈન ફેસ્‍ટિવ સેલમાં મોબાઈલ ફોન સૌથી વધુ વેચાયા છે. રેડસીર સ્‍ટ્રેટેજી કન્‍સલ્‍ટન્‍ટ્‍સના કો-પાર્ટનર સંજય કોઠારીએ જણાવ્‍યું હતું કે, સેલ્‍સ સેગમેન્‍ટ તરીકે મોબાઈલ ફોન ગ્રોસ પ્રોડક્‍ટ વેલ્‍યુ (GMV)ના ૪૧ ટકા હિસ્‍સા સાથે મોખરે છે. ઓનલાઈન સેલ દરમિયાન પ્રતિ કલાક ૫૬,૦૦૦ મોબાઈલ ફોન વેચાયા હતા. બીજી તરફ ગ્રોસ પ્રોડક્‍ટ વેલ્‍યુમાં ફેશન પ્રોડક્‍ટ્‍સનો હિસ્‍સો ૨૦ ટકા હતો પરંતુ તેને વાર્ષિક ધોરણે ૪૮ ટકાનો વધારો નોંધાવ્‍યો હતો.

રેડસીરના રિપોર્ટ મુજબ ફિલપકાર્ટ ગ્રુપે ઓનલાઈન વેચાણના સંદર્ભમાં તેનું ટોપનું સ્‍થાન જાળવી રાખ્‍યું છે. ફિલપકાર્ટ સિવાય આ ઓનલાઇન વેચાણ જૂથમાં મિંત્રા અને શોપ્‍સી જેવા પ્‍લેટફોર્મનો પણ સમાવેશ થાય છે. જયારે મીશો ઓર્ડર સંખ્‍યાના સંદર્ભમાં બીજા સ્‍થાન પર છે.

કોઠારીએ જણાવ્‍યું હતું કે આ તહેવારોના વેચાણ દરમિયાન બીજા શહેરોમાંથી આવતા ઓર્ડરની સંખ્‍યા નોંધપાત્ર રહી છે. આ સેલમાં ખરીદી કરનારા લગભગ ૬૫ ટકા ગ્રાહકો બીજા શહેરોના છે. બીજા સ્‍તરના શહેરોમાં ગ્રાહકોની સંખ્‍યામાં વાર્ષિક ધોરણે ૨૪ ટકાનો વધારો થયો છે. માર્કેટ રિસર્ચ ફર્મ રેડસીર સ્‍ટ્રેટેજી કન્‍સલ્‍ટન્‍ટ્‍સના રિપોર્ટ મુજબ ગ્રોસ મર્ચેન્‍ડાઈઝ વેલ્‍યુમાં ૪૧ ટકા યોગદાન સાથે મોબાઈલ ફોન્‍સે માર્કેટમાં સૌથી વધુ વેચાણ કર્યું હતું અને દર કલાકે લગભગ ૫૬,૦૦૦ મોબાઈલ હેન્‍ડસેટનું વેચાણ થયું હતું.

(10:58 am IST)