Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

૨૦ વર્ષની હોમ લોન ભરવામાં હવે ૨૪ વર્ષ લાગી જશે

મોંઘવારીથી દાઝ્‍યા પર ડામ : હોમ લોનના રેટ વધવાના કારણે લોકોએ વધારે સમય સુધી EMI ભરવા પડશે : છેલ્લા પાંચ મહિનામાં હોમ લોનના દર ૬.૫ ટકાથી વધીને ૮.૨૫ ટકા થઇ ગયા

નવી દિલ્‍હી,તા. ૭ : હોમ લોન લઈને ધીમે ધીમે ઘરનું ઘર વસાવવા માંગતા લોકોને વધતા વ્‍યાજદરના કારણે મોટો આંચકો લાગ્‍યો છે. તેમણે હવેથી હોમ લોન માટે વધારે EMI ભરવો પડશે અથવા તો લોનનો સમયગાળો વધી જશે. રિઝર્વ બેન્‍કે વ્‍યાજદર વધાર્યા તે અગાઉ જે લોન ભરવામાં ૨૦ વર્ષ લાગતા હતા તેને નવા વ્‍યાજદરના કારણે ભરવામાં ૨૪ વર્ષ લાગી જશે. જે લોકોએ બેથી ત્રણ વર્ષ અગાઉ હોમ લોન લીધી હતી તેમણે અસલ સમયગાળા કરતા વધારે સમય સુધી લોન ચુકવવી પડશે, અથવા તો તેમનો માસિક હપતો વધી જશે. છેલ્લા પાંચ મહિનામાં હોમ લોનના દરમાં તીવ્ર વધારો થયો છે અને વ્‍યાજનો દર ૬.૫ ટકાથી વધીને ૮.૨૫ ટકા થઈ ગયો છે. ૨૦૧૯માં કોઈએ ૬.૭ ટકાના દરે લોન લીધી હશે તો તેમણે હવે ત્રણ વર્ષ પછી પણ ૨૧ વર્ષ સુધી હપતા ભરવા પડશે. એટલે કે ૨૦ વર્ષની લોન હવેથી ૨૪ વર્ષની થઈ ગઈ છે.

એપ્રિલ મહિનાથી રેપો રેટમાં સતત વધારો ચાલે છે અને તેની સાથે સાથે હોમ લોનના દર પણ વધતા ગયા છે. એપ્રિલ મહિનામાં રેપો રેટ ચાર ટકા હતો અને હોમ લોનના દર ૬.૭ ટકા ચાલતા હતા. તેથી ૨૦ વર્ષ માટે ૧૦ લાખની લોન લીધી હોય તો તેનો EMI  રૂ. ૭૫૭૪ આવતો હતો. મે મહિનામાં રેપો રેટ ૪.૪ ટકા થયો અને હોમ લોનના દર ૭.૧ ટકા થયા. તેથી માસિક હપતો રૂ. ૭૮૧૩ થયો. ઓગસ્‍ટ મહિનામાં રેપો રેટ ૫.૪ ટકા હતો અને હોમ લોનનો દર ૮.૧ ટકા હતો. તેથી ૧૦ લાખની લોન દીઠ EMI  ૮૪૨૭ રૂપિયા થયો. સપ્‍ટેમ્‍બરમાં રેપો રેટ ૫.૯ ટકા થયો અને હોમ લોનનો દર વધીને ૮.૬ ટકા હતો. એટલે કે હવે ૧૦ લાખની લોન પર EMI  રૂ. ૮૭૪૧ થયો છે.

કોઈએ એપ્રિલ ૨૦૧૯માં ૨૦ વર્ષના ગાળા માટે હોમ લોન લીધી હોય અને અત્‍યાર સુધી નિયમિત હપતા ભર્યા હોય તો તેમણે ૪૨ EMI  ચુકવી દીધા હશે. પરંતુ વ્‍યાજ દર વધી જવાના કારણે તેની ૨૪૦ હપતાની લોનમાંથી આટલા EMI  નહીં ઘટે. તેના બદલે તેમણે હજુ ૨૨ વર્ષ અને ૧૦ મહિના માટે લોન ભરવી પડશે. એટલે કે અસલ લોનના સમયગાળામાં ૬૦ મહિનાનો અથવા પાંચ વર્ષનો વધારો થયો છે. જે વ્‍યક્‍તિએ એપ્રિલ ૨૦૧૯માં ૫૦ લાખની લોન લીધી હશે તેની અત્‍યારે ૪૫.૪૬ લાખની લોન હજુ બાકી નીકળતી હશે. એટલે કે લોન શરૂ થયાના ૪૨ મહિના પછી પણ તેમની મૂળ મુદ્દલમાંથી માત્ર પાંચ લાખ રૂપિયા ઘટ્‍યા હશે.

ભારતમાં રિયલ એસ્‍ટેટના ભાવમાં તીવ્ર ઉછાળાના કારણે મકાન ખરીદવા માટે હોમ લોન લેવા સિવાય બીજો કોઈ રસ્‍તો રહેતો નથી. લોકો ઈન્‍કમટેક્‍સમાં રાહત માટે પણ હોમ લોન લેતા હોય છે, પરંતુ તેની સામે વ્‍યાજનો બોજ સતત વધી રહ્યો છે. કોવિડ પછી ફુગાવાને અંકુશમાં રાખવા માટે આરબીઆઈ પગલાં લઈ રહી છે તેમાં વ્‍યાજદરમાં વધારો એ મુખ્‍ય પગલું છે. ભારતમાં હવે નીચા વ્‍યાજદરની સિઝન પૂરી થઈ ગઈ હોય તેમ લાગે છે. તેની સામે બેન્‍કોના એફડીના રેટમાં ખાસ વધારો થયો નથી.

(11:25 am IST)