Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

હાઇ સ્પીડ બુલેટ ટ્રેનના કોચ હવે ભારતમાં જ તૈયાર થઇ શકશે : એલ્યુમિનીયમની અવેજીમાં નવા પદાર્થની શોધ

ભારતીય પ્રૌદ્યોગીકી સંસ્થાન ગાંધીનગરના પ્રો. અમિત અરોડા અને તેમની ટીમને મળી સફળતા : ટ્રેન જ નહીં વિમાન, સ્ટીમર, કાર, બસ બનાવવામાં પણ આ નવો પદાર્થ ઉપયોગમાં લઇ શકાશે

અલ્હાબાદ  : એલ્યુમીનીયમ કરતા પણ વજનમાં હલ્કો અને ટકાઉમાં ૨૫ ટકા વધુ મજબુત એવો એક પદાર્થ શોધી કાઢવામાં સફળતા મળતા હાઇ સ્પીડ બુલેટ ટ્રેનના ડબ્બા હવે ભારતમાં જ તૈયાર કરવાનો રસ્તો આસાન થઇ ગયો છે.

ભારતીય પ્રૌદ્યોગીક સંસ્થાન ગાંધીનગરના પ્રાધ્યાપક પ્રોફેસર અમિત અરોડા અને તેમની ટીમે કરેલા એક સંશોધનમાં આ સફળતા સાંપડી છે. તેઓને એક એવો પદાર્થ તૈયાર કરવામાં સફળતા મળી છે જે હાલમાં બુલેટ ટ્રેન બનાવવા વપરાતા એલ્યુમિનયમ કરતા વજનમાં ઘણો હલ્કો અને મજબુતાઇમાં ૨૫ ટકા વધુ શકિતશાળી પુરવાર થયો છે.

જે રીતે એલ્યુમિનિયમને ઢાળવામાં આવે છે તે રીતે તેને પણ ઢાળી શકાતો હોય મોટો ફાયદો ઉઠાવી શકાશે. એટલુ જ નહીં આ પદાર્થ વિમાન, હેલીકોપ્ટર અને વહાણના ઉપકરણો બનાવવામાં પણ ઘણો ઉપયોગી પુરવાર થઇ શકે તેમ છે.

મોટર અને બસની બોડી બનાવવામાં પણ આનો ઉપયોગ વધુ ફાયદેમંદ રહેશે.  આ પદાર્થના ઉપયોગથી બનેલી કાર અને બસ વજનમાં હલ્કા તેમજ મજબુતાઇમાં શ્રેષ્ઠ હશે.

પ્રો. અરોડાના જણાવ્યા મુજબ આ નવો પદાર્થ તેઓએ પ્લાસ્ટીક (પોલીમર) અને એલ્યુમિનિયમના મિશ્રણથી તૈયાર કર્યો છે. આમાં ઉમેરાતુ પ્લાસ્ટીક ગરમ થવાથી નષ્ટ પામવાને બદલે ખુબ આસાનીથી અંદરના ભાગોને તરલતા મેળવવામાં ઉપયોગી બને છે. એથી ઉલ્ટુ બહારના ભાગોના એલ્યુમિનિયમને વધુ મજબુત બનાવે છે.

બીજી તરફ પ્લાસ્ટીક પ્રદુષણનો ઉકેલ પણ મળી જશે. કેમ કે આ પદાર્થ તૈયાર કરવામાં પ્લાસ્ટીકનો ગતે તેવો કચરો ઉમેરી શકાશે. આમ નસ્ટ ન થતા પ્લાસ્ટીકને અહીં ઉપયોગમાં લઇ તેના નિકાલનો પ્રશ્ન સુલજાવી શકાશે.

આ નવા પ્રકારના પદાર્થને તૈયાર કરવામાં આઇ.આઇ.ટી. ખડગપુરના પ્રો. ચંદ્રશેખબ તિવારી અને આઇ.આઇ.ટી. ગાંધીનગરના પીએચ. ડી. ના વિદ્યાર્થી અર્પણ રાઉત, મહેશ વી. પી. અને એમ. ટેક. ના અનુરાગ ગુમાસ્તા પણ સાથે જોડાયા છે.

(3:49 pm IST)